ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં સેનિટાઇઝરને અડીને તેનો ઉપયોગ કરવો પડે છે પરંતુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ટચલેસ સેનિટાઇઝર બનાવ્યું છે. આ યુનિવર્સિટીના ચાર ઇનોવેટરસે હેન્ડ સેનેટાઇઝર એવું બનાવ્યું છે કે જેને ટચ કર્યા વિના હાથ સાફ થાય છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈનોવેશન કાઉન્સિલ અને સ્ટાર્ટઅપ વિભાગ દ્વારા અનેક પ્રકારના નીતનવા સમાજ ઉપયોગી સંશોધન કરવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીના સમયે પણ જીટીયુ દ્વારા થર્મલ ડ્રોન, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે ડિજીટલ બેલ્ટ, WHO પ્રમાણિત હેન્ડ સેનિટાઈઝર , 3ડી ફેસ શિલ્ડ માસ્ક જેવા વિવિધ ઉપકરણોની શોધ કરી છે.
જીટીયુના આ સંશોધનની યાદીમાં અન્ય એક ઉમેરો જોવા મળ્યો છે. તાજેતરમાં જ જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના ઈનોવેટર્સ મિત જોષી, જુગલ જોષી, ક્ષિતિજ કાયસ્થ અને ઉજ્જવલ શાહ દ્વારા ટચલેસ સેનિટાઈઝર મશીન બનાવામાં આવ્યું છે. ઈનોવેટર્સ દ્વારા 10 દિવસની મહેનત પછી આ ટચલેસ હેન્ડ સેનિટાઈઝર મશીનને તૈયાર કરવામાં આવ્યું છે. જેની વિશેષતા એ છે કે, કોઈ પણ વ્યક્તિ સેનિટાઈઝર મશીનને સ્પર્શ કર્યા વગર તેમાંથી સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકે છે. જાહેર સ્થળ પર મૂકવામાં આવેલા સેનિટાઈઝરનો વિવિધ લોકો દ્વારા હાથના સ્પર્શથી ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે કોરોના વાયરસનો ફેલાવો થવાનો ભય રહે છે.
આ પ્રકારની ઘટનાનો ભોગ કોઈ પણ વ્યક્તિ ના બને. તે હેતુસર, જીટીયુના ઈનોવેટર્સ દ્વારા ટચલેસ હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવવામાં આવ્યુ છે. સાત લિટરની ક્ષમતાવાળા આ મશીનથી દિવસમાં 1500 થી પણ વધુ વખત હાથને સેનિટાઈઝ કરી શકાય છે. તથા આર્થીક રીતે પણ આ મશીન દરેકને પરવડે તેવું છે. તેના વપરાશ માટે પણ તેનું પ્રેસર ચોક્કસ પ્રમાણમાં નક્કી કરી શકાય છે. આ ટચલેસ હેન્ડ સેનિટાઈઝર મશીનની મદદથી કોરોના વાઈરસને ફેલાતાં ચોક્કસપણે અટકાવી શકાશે.