મુંબઇઃ ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને ફરી વાર રોવાનો વારો આવ્યો છે. કારણ કે બિટકોઇન સહિત મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીઓની કિંમતમાં મોટો કડાકો બોલાયો છે અને તેના પરિણામ ક્રિપ્ટોકરન્સી માર્કેટની વેલ્યૂએશનમાં પણ મોટું ધોવાણ થયુ છે.
આજે મંગળવારે બિટકોઇનની કિંમત મહિનામાં પહેલીવાર 30,000 ડોલરની નીચે સરકી હતી. આજે મંગળવારે બપોરે બિટકોઇનની કિંમત 6.22 ટકા ઘટીને 29,831.70 ડોલર થઇ ગઇ હતી, જે 22 જૂન પછીની સૌથી નીચી સપાટી છે.
બિટકોઇનની પાછળ અન્ય તમામ ડિજિટલ કરન્સીની કિંમત પણ ઘટી હતી જેના પરિણામ સ્વરૂપ આજે છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને 100 અબજ ડોલરનું નુકસાન થયુ છે. કોઇનમાર્કેટકેપના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટની કેપિટલાઇઝેશન ઘટીને 1.2 લાખ કરોડ ડોલર રહી ગઇ છે. તેનુ મુખ્ય કારણ સૌથી મોંઘી બિટકોઇનની કિંમતમાં એક જ દિવસમાં 6 ટકાથી વધુનો કડાકો છે.
બિટકોઇનની મંદી પાછળ અન્ય ક્રિપ્ટોકરન્સીઓમાં આજે કડાકો નોંધાયો છે. જેમાં મંગળવારે ઇથેરિયમ 7.9 ટકા ઘટીને 1762 ડોલર, ટીથર 0.02% ઘટીને 1 ડોલર, બિનાકા ક્વોઇન 12.03% ઘટીને 266 ડોલર, ડોજેકોઇન 7.58% ઘટીને 0.1662 ડોલર, ઇથેરિયમ ક્લાસિસ 7.18% ઘટીને 39.06 ડોલરના ભાવે ટ્રેડ થઇ રહી છે. ક્રિપ્ટકરન્સી માર્કેટના નિષ્ણાંતોનું કહેવુ છે કે, બિટકોઇનમાં 30,000 ડોલરનો સપોર્ટ તૂટવાથી વધારે નુકસાન થઇ શકે છે. જો મંદી ચાલુ રહી તો ક્રિપ્ટોકરન્સી માર્કેટને વધુ નુકસાન થઇ શકે છે. મંદ આર્થિક વૃદ્ધિ અને કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટના કારણે વૈશ્વિક શેરબજારમાં પણ હાલ અસ્થિરતા છે.