ગાંધીનગર
ગુજરાતમાં લોકડાઉન અને કોરોના સંક્રમણના સમયે બંધ પડેલી એસટી બસ સુવિધા ક્યારથી શરૂ થવાની છે તેની રાહ જોઇ રહેલા એસટીના મુસાફરોને રાહત મળે તેવા સમાચાર મળ્યા છે. હવે રાજ્યની સડકો પર એસટી બસો જોવા મળશે, જો કે આરોગ્યના નિયમોનું પાલન કરવાનું રહેશે.
કોરોના સંક્રમણની વચ્ચે એસટી બસો બંધ કરી દેવામાં આવતા મુસાફરો અપડાઉન કરી શકતા ન હતા. તેમને ફરજીયાત પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડતી હતી. રાજ્ય સરકારે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે એસટી બસમાં મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો અને માર્ગો પરથી એસટી બસો પાછી ખેંચી લીધી હતી પરંતુ હવે આ બસો ફરીથી શરૂ થઇ રહી છે.
ગુજરાતમાં અનલોક-4ની ગાઇડલાઇન પ્રમાણે તમામ 100 રૂટ પર 7મી સપ્ટેમ્બર ને સોમવારથી એસટી બસો શરૂ કરાશે. આ બસોમાં મુસાફરી કરનારા મુસાફરોનું પહેલાં થર્મલ ચેકીંગ કરવામાં આવશે. જો કોઇને તાવ કે અન્ય લક્ષણો હશે તો તેને મુસાફરી કરવા નહીં મળી શકે.
એસટી બસમાં ટિકીટ મશીન ઉપરાંત સરકાર દ્વારા તમામ કન્ડક્ટરને થર્મલ ગન આપવામાં આવશે. બસમાં બેસનારા મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. એસટી નિગમ દ્વારા ગ્રામિણ મુસાફરોને પડતી મુસીબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નિગમ દ્વારા ક્યા રૂટ પર કેટલી એસટી બસો દોડશે તેની પણ માહિતી આપવામાં આવશે. બસમાં કેટલા મુસાફરો બેસી શકશે તે અંગે પણ ગાઇડલાઇન તૈયાર છે તેને અનુસરવામાં આવશે. ગુજરાતમાં માર્ચ મહિનામાં બંધ કરવામાં આવેલી એસટી બસો પાંચ મહિના પછી શરૂ થઇ રહી છે. રાજ્યના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.