નવી દિલ્હીઃ કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક તંગી અને અતિશય ઉંચા ભાવના લીધે હાલ સોના-ચાંદીમાં ઘરાકીનો અભાવ છે. આજે દિલ્હી ખાતે સોનાનો ભાવ 54 રૂપિયાના નજીવા ઘટાડે 51,312 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદી આજે 543 રૂપિયા સસ્તી થઇ હતી અને 1 કિગ્રાનો ભાવ 62,720 રૂપિયા થયો હતો.
વૈશ્વિક બજારમાં પણ બંને કિંમતી ધાતુઓ સોના-ચાંદીના ભાવ એકંદરે સુસ્ત હતા. જેમાં સોનું 1900 ડોલર અને ચાંદી 24.20 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયા હતા. તેવી જ રીતે પ્લેટિનમ 885.75 ડોલર અને પેલેડિયમ 2382.15 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયા હતા. ઉંચા ભાવ ઘરાકીનો અભાવ અને અમેરિકામાં નજીકના સમયગાળામાં સ્ટિમ્યુલસ પેકેજ અંગે અનિશ્ચિતતાથી સોના-ચાંદીના ભાવ સ્થાનિક બજારમાં એક મહિનાની ટોચથી ઘટ્યા હતા.
અમદાવાદ ખાતે આજે સોનું માત્ર 100 રૂપિયા ઘટીને 52,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 500 રૂપિયા ઘટીને પ્રતિ કિગ્રા દીઠ 63,000 રૂપિયા બોલાઇ હતી. ઉલ્લેખનિય છે કે, ચાલુ નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન ભારતમાં સોના-ચાંદીનું વેચાણ વધવાની અપેક્ષા હતી જેના પગલે બંને કિંમતી ધાતુઓના ભાવ ઉંચકાયા હતા.
આજે હાજર કરતા વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટ્યા હતા. વાયદા બજારમાં એમસીએક્સ સોનું આ લખાય છે ત્યારે સાંજે 475 રૂપિયાના ઘટાડે 50,858 પ્રતિ 10 ગ્રામના ભાવે ક્વોટ થઇ રહ્યુ હતુ. તો ચાંદી 1161 રૂપિયા ઘટી હતી અને એક કિગ્રાનો ભાવ 62,468 રૂપિયા બોલાયો હતો.