અમદાવાદઃ ભારતીય બજારમાં સોના-ચાંદીમાં મક્કમ વલણ રહેતા સપ્તાહના પ્રથમ દિવસે જ ભાવ ઉંચકાયા હતા. જેમાં અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 52,700 રૂપિયાના સ્તરે સ્થિર રહ્યો હતો. જો ચાંદીમાં 500 રૂપિયાનો સુધારો જોવા મળ્યો અને 1 કિગ્રાનો ભાવ રૂ. 63,000ની સપાટીએ પહોંચી ગયા હતા.
દિલ્હી બુલિયન બજારમાં સોનું 236 રૂપિયાની તેજીમાં 51,558 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયુ હતું. તો 1 કિગ્રા ચાંદીનો ભાવ વધીને 62,775 રૂપિયા થયો છે જે શનિવારની તુલનાએ ભાવમાં 376 રૂપિયાનો વધારો દર્શાવે છે.
અમેરિકામાં સ્ટિમ્યુલસ પેકેજ અને ભારતમાં આગામી તહેવારોની સિઝનમાં સિઝનલ માંગ નીકળવાની અપેક્ષા સોના-ચાંદીના ભાવમાં મજબૂત વલણ જોવા મળ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, હાલ બુલિયન બજારમાં સોનું તેની ઐતિહાસિક ઉંચી સપાટીથી રૂ.6000 જેટલુ સસ્તુ વેચાઇ રહ્યુ છે.
હાલ વૈશ્વિક બજાર ન્યુયોર્ક ખાતે સોનું ઉપરમાં સાધારણ વધીને 1930 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ક્વોટ થયુ હતુ. તો ચાંદી એક ટકાની મજબૂતીમાં 25.34 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
ભારતમાં એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો આ લખાય છે ત્યારે 345 રૂપિયા વધીને 51,162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીનો ડિસેમ્બર વાયદો પણ પ્રતિ 1 કિગ્રા દીઠ 291 રૂપિયા વધીને 63,175 રૂપિયા ક્વોટ થયો હતો.
એશિયન કરન્સી નબળી પડવાથી આજે ડોલર સામે ભારતીય રૂપિયામાં સુધારો અટક્યો હતો. આજે ફોરોક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 12 પૈસા તૂટીને 73.28 રૂપિયા ક્વોટ થયો હતો. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન ડોલર સામે ભારતીય રૂપિયો ખુલીને કામકાજ દરમિયાન 73.02ની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ નીચામાં 73.06 ક્વોટ થયો હતો. જો કે સેશનના અંતે રૂપિયો 12 પૈસા નબળો પડ્યો હતો. આમ છેલ્લા ત્રણ સેશનથી રૂપિયામાં ચાલી રહેલી સુધારાની ચાલ આજે અટકી હતી.