ગાંધીનગર અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં અનલોક-3માં જીમ સેન્ટરો ખોલવાની મંજૂરી તો મળી ચૂકી હતી પરંતુ એક મહિનામાં જીમ સેન્ટરોમાં માત્ર 15 થી 20 ટકા ગ્રાહકો આવતા હોવાથી જીમ સેન્ટરના સંચાલકોને મેનટેનન્સનો ખર્ચ પણ પરવડતો નથી. કોરોના સંક્રમણના કારણે હજી પણ લોકોમાં કોરોના થઇ જવાનો ડર હોવાથી મોટાભાગના જીમ ગ્રાહકોએ ઘરમાં, અગાસીમાં અને બચીચામાં જીમ અને કસરતો શરૂ કરી દીધી છે.અમદાવાદ જેવા શહેરોમાં તો જીમની માસિક ફી 4000 થી 7000 રૂપિયા જેટલી જોવા મળે છે. આટલી ફી પોસાય તેમ નહીં હોવાથી મધ્યમ વર્ગના પરિવારોએ ઘરમાં કસરતો શરૂ કરી દીધી છે. કેન્દ્ર અને રાજ્યના આદેશ પછી જીમ સેન્ટરો ફરી ખોલવામાં આવ્યા છે પરંતુ ગ્રાહકો હજી આવતા નથી. એક મહિનો થઇ ગયો હોવા છતાં જીમ સેન્ટરના સંચાલકોને તેમના ગ્રાહકો પાછા મળી શક્યા નથી.અમદાવાદ સ્થિત જીમ સેન્ટરના એક સંચાલકે કહ્યું હતું કે કોરોના સંક્રમણના કારણે અમારા બિઝનેસને મોટી અસર થઇ છે. શહેરના 30 ટકા જીમ સેન્ટરોને બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે લોકડાઉનના કારણે ગ્રાહકો આવતા નથી અને જીમના સાધનોની પ્રતિદિન મરામત કરાવવાની હોય છે. એ ઉપરાંત ભાડા અને અન્ય મેનન્ટેનન્સના પ્રતિ માસ રૂપિયા ચૂકવવાના હોય છે. આવક નહીં હોવાથી અમે આવો ખર્ચ પણ કરી શકતા નથી.ગાંધીનગર સ્થિત જીમ સેન્ટરના સંચાલક કહે છે કે અમારા સેન્ટરમાં કોરોના પહેલાં સવારે 50 અને સાંજે 40 ગ્રાહકો આવતા હતા પરંતુ કોરોના લોકડાઉનના કારણે આ તમામ ગ્રાહકો બંધ થઇ ગયા હતા. હવે જ્યારે જીમ ફરીથી ખોલ્યાને એક મહિનો વિતી ગયો છે તેમ છતાં હાલ જીમ સેન્ટરમાં સવારે બે અને સાંજે ત્રણ લોકો આવે છે. અમને આખા દિવસનો ખર્ચ પણ પોસાતો નથી. સિનિયર સિટીઝન અને બાળકોએ જીમમાં આવવાનું બંધ કર્યું છે. અમદાવાદના એક જીમના માલિક અલ્પેશ શાહે જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકો જીમ સેન્ટરોમાં ફરીથી જોડાય તે માટે ડિસ્કાઉન્ટની યોજના પણ શરૂ કરવામાં આવી છે. સભ્યપદમાં પણ પ્રલોભનો આપી રહ્યાં છીએ તેમ છતાં ગ્રાહકો મળતા નથી, આ સંજોગોમાં સંચાલનનો પ્રશ્ન છે.અમદાવાદમાં બાજુ બાજુમાં આવેલી બે ક્લબોમાં કોરોના પહેલાં સવારે 1500 જેટલા લોકો નિયમિત આવતા હતા અને જીમના સાધનો તેમજ વોકિંગ સ્ટ્રીટનો લાભ લેતા હતા પરંતુ હવે બન્ને જગ્યાએ માત્ર 100 લોકો આવે છે. બીજી તરફ વ્યક્તિગત રીતે જે ફિટનેસ સેન્ટર તાલીમ પુરી પાડે છે તેનો પ્રભાવ વધી રહ્યો છે. જે પરિવારોને પોસાય છે તેઓ પર્સનલ જીમ ટ્રેઇનરો રાખે છે. લોકોએ હવે તો જીમના સાધનો ઓનલાઇનથી મંગાવવાનું શરૂ કર્યું છે જે એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ છે.એકલા ગાંધીનગરમાં 50 જીમ સેન્ટરો આવેલા છે જે પૈકી કોરોના સંક્રમણના સમયમાં 35 બંધ થઇ ગયા છે અને જે બાકી બચ્યાં છે તેમાં ગ્રાહકો નહીં હોવાથી તે સંચાલકો હવે બિઝનેસમાં પરિવર્તન કરવા ઇચ્છે છે. કેટલાક સેન્ટરોએ તો પોતાના સાધનો બચાવવા માટે એક મહિનો ફ્રીની ઓફરો પણ શરૂ કરી છે, જે સેન્ટરો દર મહિને 2000 થી 3000 રૂપિયા ફી લેતા હોય છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.