નવી દિલ્હીઃ ડુંગળી ફરી લોકોને રડાવી રહી છે અને આગામી નજીકના દિવસોમાં ભાવ રૂ. 100 કિગ્રા થઇ જશે તેવી અટકળો વહેતી થઇ છે. ડુંગળીના ભાવમાં સતત વૃદ્ધિથી ચિંતિત સરકારે આજે તેની આયાત વધારીને ભાવને અંકુશમાં રાખવાનો નિર્ણય લીધો છે.
સરકારે ડુંગળીની આયાત સંબંધિત નિયમોમાં છુટછાટ આપી છે જેથી સ્થાનિક બજારમાં આયાતી ડુંગળીની સપ્લાય વધારીને ભાવને અંકુશમાં રાખી શકાય. ઉપરાંત સરકારે ડુંગળીના પોતાના બફર સ્ટોકમાંથી બજારમાં સપ્લાય વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે આજે એક નિવેદનમાં આ માહિતી આપી છે. સરકારી આંકડાઓ મુજબ દક્ષિણ અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ડુંગળીના છુટક ભાવ તીવ્ર ગતિથી વધ્યા છે.
નોંધનિય છે કે, ડુંગળીના ભાવ છેલ્લા એક મહિનામાં ઘણા વધી ગયા છે. ગત મંગળવારે ચેન્નઇ ખાતે છુટક બજારમાં 1 કિલો ડુંગળીનો ભાવ 73 રૂપિયા બોલાયો હતો. તો દિલ્હીમાં ડુંગળી 50 રૂપિયા, કલકત્તામાં 65 રૂપિયા અને મુંબઇમાં 67 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાઇ રહી છે.
મહારાષ્ટ્ર દેશનું સૌથી મોટુ ડુંગળી ઉત્પાદક રાજ્ય છે. નાસિકમાં હાલના સમયે ડુંગળીના ભાવ 66 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાઇ રહ્યા છે. જ્યારે વર્ષ પૂર્વે હાલના સમયે ડુંગળી બજારમાં 35 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે વેચાઇ રહી હતી. બજારમાં ડુંગળીની પુરતી સપ્લાયની ખાતરી કરવા માટે સરકારે પાછલા મહિને નિકાસ પણ પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં ભાવ તીવ્ર ઘટીથી વધ્યા છે.