નવી દિલ્હીઃ તહેવારોની મોસમમાં રાજધાની દિલ્હી શું કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ઝપટમાં છે? આના સંકેત કોરોના પોઝિટિવ કેસના આંકડા આપી છે. આજે બુધવારે પ્રથમવાર દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના 5 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા જ નીતિ આયોગના સભ્ય વીકે પાલે જણાવ્યુ હતુ કે કેરળ અને પશ્ચિમ બગાળ કોરોના સંક્રમણના ત્રીજા પીક તરફ જઇ રહ્યા છે.
સીએમ કેજરીવાલે બીજી લહેરનો દાવો કર્યો હતો
દિલ્હીમાં કોરોનાના નવા કેસ જુલાઇમાં ઘટવા લાગ્યા હતા. એક સમયે તો એક્ટિવ કેસોની સંખ્યા 10 હજારથી પણ નીચે જતી રહી હતી. ત્યારબાદ કોરોના સંક્રમણની બીજી લહેર શરૂ થઇ. ચાલુ મહિનાની શરૂઆતમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, દિલ્હીમાં કોરોનાની બીજી લહેરનો પીક પણ વિતી ગયો છે. પરંતુ હવે અચાનક પાછલા દિવસોમાં નવા કેસોની સંખ્યા વધતા ચિંતા વધી ગઇ છે.
આજે રેકોર્ડ 5673 નવા કેસ, સંક્રમિતોની કુલ સંખ્યા 3.7 લાખને પાર
દિલ્હીમાં પાછલા દિવસોમાં કોરોનાના કેસોમાં અચાનક તીવ્ર વધારો થયો છે. હેલ્થ વિભાગના બુલેટિન મુજબ આજે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંક્રમણના 5673 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં માત્ર એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસના આંકડા છે. તેની સાથે જ દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કૂલ સંખ્યા 3.7 લાખને વટાવી ગઇ છે.
કોરોનાનો કુલ મૃત્યુઆંક 6396 થયો
આજે બુધવારે કોરોના વાયરસના સંક્રમણથી દિલ્હીમાં વધુ 40 લોકોના મોત થયા છે. આજના મરણ સાથે દિલ્હીમાં હવે કોરોનાનો કૂલ મૃત્યુઆંક 6396 પહોંચી ચૂક્યો છે. બુલિટેનમાં જણાવ્યુ છે કે, બુધવારના આંકડામાં ઓગસ્ટમાં થયેલ એક મોતનો આંકડો પણ ઉમેરીયો છે.