નવી દિલ્હીઃ કોરોના મહામારીના કહેર વચ્ચે દિલ્હીમાં પ્રાણવાયુ દિવસેને દિવસે વધુ ઘાતક બની રહ્યો છે. દિલ્હી – એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઓછી થઇ રહી નથી અને હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થઇ રહી છે. આ ઝેરીલી હવાના કારણે સામાન્ય લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે સવારમાં પણ છવાયુ ધુમ્મસ
હવાની ગુણવત્તા ખરાબ થવાની સાથે-સાથે દિલ્હીના આકાશમાં આજે સવારે પણ અત્યંત ગાઢ ધુમ્મ્સ છવાયેલુ હતુ. ધુમ્મ્સના કારણે વિજિબિલિટી પણ ઓછી હતી. આકાશમાં છવાયેલા ધુમ્મસને કારણે વિજિબિલિટી અત્યંત ઓછી થઇ જતા લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી હતી.
દિલ્હીના મોટાભાગના વિસ્તારમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ
દિલ્હીની હવા આજે પણ ‘અત્યંત ખરાબ’ કેટેગરીમાં છે. દિલ્હી પોલ્યુશન કન્ટ્રોલ કમિટીના ડેટા મુજબ AQIનું લેવલ રોહિણીમાં 346, આરકે પુરમમાં 329, આનંદ વિરાહમાં 377 અને મુંડકામાં 363 છે.
એનસીઆરમાં પણ હવા પ્રદૂષણનો કહેર
દિલ્હી ઉપરાંત એનસીઆરમાં પણ હવાના પ્રદૂષણનો કહેર ચાલુ રહ્યો છે. દિલ્હીની નજીક આવેલા નોઇડામાં AQI લેવલ 395 (અત્યંત ખરાબ) છે જ્યારે ગુરુગ્રામમાં 286 (ખરાબ) છે.
આગામી બે દિવસ સુધી યથાવત રહેશે પ્રદૂષણની ખરાબ સ્થિતિ
હવામાં પ્રદૂષણનું સ્તર આગામી બે દિવસ સુધી નજીવુ સુધરશે પરંતુ તે સતત અત્યંત ખરાબ સ્થિતિમાં યથાવત રહેશે. મંગળવારે હવાની ગતિ વધશે પરંતુ તેની અસર બહુ વધારે સમય સુધી રહેશે નહીં. આથી તે આંશિક રાહત હોઇ શકે છે.