દેશમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો હોવાની વાત સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના ડેટામાં કહેવામાં આવી છે,જેમાં દેશમાં બેરોજગારીનો દર, જે ફેબ્રુઆરીમાં 8.10 ટકા હતો, તે માર્ચમાં ઘટીને 7.6 ટકા થયો હતો, CMIEના માસિક ડેટા મુજબ 2 એપ્રિલે આ ગુણોત્તર વધુ ઘટીને 7.5 ટકા થયો હતો. શહેરી બેરોજગારીનો દર 8.5 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં તે 7.1 ટકા હતો.
જોકે,આ બધાથી વિપરીત ગુજરાત સરકારે કબુલ્યું કે બે વર્ષ માં સરકારે માત્ર 1276 બેરોજગારને જ નોકરી આપી છે અને 3,64,252 બેરોજગાર હોવાની વાત કરતા ડેટા માં વિરોધાભાસ જોવા મળે છે.
ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર અભિરુપ સરકારે જણાવ્યું હતું કે બેરોજગારીનો દર ઘટી રહ્યો છે, પરંતુ ભારત જેવા ‘ગરીબ’ દેશ માટે તે હજુ પણ ઘણો ઊંચો છે. તેમણે કહ્યું કે બેરોજગારીના રેશિયોમાં ઘટાડો દર્શાવે છે કે કોવિડ-19 મહામારી બાદ અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે.
“પરંતુ ભારત જેવા ગરીબ દેશ માટે, બેરોજગારીનો દર હજુ પણ ઘણો ઊંચો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો બેરોજગારી સહન કરી શકતા નથી. તેથી જ તેઓ કમાવા અને ખાવા માટે જે કંઈ રોજગાર મેળવતા હોય તે માટે તૈયાર થઈ જાય છે.
માહિતી અનુસાર, માર્ચમાં હરિયાણામાં બેરોજગારીનો દર સૌથી વધુ 26.7 ટકા હતો. તે પછી રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં 25-25 ટકા હતો. બિહારમાં બેરોજગારીનો દર 14.4 ટકા, ત્રિપુરામાં 14.1 ટકા અને પશ્ચિમ બંગાળમાં 5.6 ટકા હતો. એપ્રિલ, 2021માં એકંદરે બેરોજગારીનો દર 7.97 ટકા હતો. ગયા વર્ષે મે મહિનામાં તે 11.84 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. માર્ચ 2022માં કર્ણાટક અને ગુજરાતમાં સૌથી નીચો બેરોજગારી દર 1.8-1.8 ટકા હતો.
જોકે,ગુજરાતમાં બેરોજગારીની વાત કરવામાં આવેતો ઉપર મુજબના ડેટા મામલે મેળ પડતો નથી કારણકે ગાંધીનગર વિધાનસભા સત્રમાં જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન કરાયો ત્યારે સરકારે પોતાના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં હાલ કુલ 3,64,252 બેરોજગારો છે જે પૈકી 3,46,436 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 17, 876 અર્ધશિક્ષિત બેરોજગારો છે.
આમ અહીં આ દાવો ખોટો સાબિત થાય છે.
રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. સરકારે પોતાના જવાબમાં વધુ જણાવ્યુ કે બે વર્ષમાં સરકારે માત્ર 1276 બેરોજગારોને જ નોકરી આપી છે. નવાઇની વાત તો એ પણ છે કે 16 જિલ્લાઓમાં સરકાર દ્વારા એક પણ નોકરી આપવામાં આવી નથી.
સરકારે રજૂ કરેલી રોજગારીની માહિતી મામલે MLA પુંજાભાઈ વંશ દ્વારા અમદાવાદમાં રોજગારીની વિગતો વધારે દર્શાવી હોવાથી પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને જણાવ્યુ હતુ કે અમદાવાદ જિલ્લામાં નોંધાયેલ શિક્ષિત બેરોજગાર સંખ્યા અને રોજગારી આપ્યાની માહિતીમાં વિસંગતતા છે. અમદાવાદમાં કુલ 26,628 બેરોગાર નોંધાયા તેની સામે સરકારે 69,669 રોજગાર આપ્યા હોવાની માહિતી રજૂ કરતા રોજગારી વાળો મામલો ગોથે ચડ્યો છે.