નવી દિલ્હીઃ ભારતીય બજારમાં સોના અને ચાંદીમાં ઘટાડાની ચાલ ચાલુ રહેતા છેલ્લા બે દિવસમાં ઘણા ભાવ ઘટી ગયા છે. દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવ આજે 631 રૂપિયા ઘટ્યા હતા, અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 51,367 રૂપિયા થયો હતો. તેવી જ રીતે ચાંદીમાં આજે 1681 રૂપિયાનો કડાકો બોલાતા પ્રતિ 1 કિગ્રાનો ભાવ 62,158 રૂપિયા થયો હતો. આમ વિતેલા બે દિવસમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ દીઠ 764 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ 1 કિલો દીઠ 2556 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે
આવી જ રીતે અમદાવાદ ખાતે પણ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે. જેમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 500 રૂપિયા ઘટીને 52,300 રૂપિયા થયો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા દીઠ 1000 રૂપિયાના કડાકામાં 61,000 રૂપિયા બોલાયો હતો. આમ અમદાવાદ ખાતે વિતેલા બે દિવસમાં ચાંદીના ભાવ રૂ.2000 ઘટી ગયા છે.
અલબત બુલિયન હાજર બજારની સામે વાયદા બજારમાં એકદમ વિરુદ્ધ વલણ જોવા મળી રહ્યુ હતુ. એમસીએક્સ સોનાનો ડિસેમ્બર વાયદો આ લખાય છે ત્યારે રૂ.299ના સુધારામાં રૂ. 50,544 પ્રતિ 10 ગ્રામ ક્વોટ થઇ રહ્યુ હતુ. તો ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 1207ના ઉછાળે રૂ. 61,749 ટ્રેડ થઇ રહી હતી.
વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટીની ઉપર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું 1908 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહ્યુ હતુ. તો ચાંદી દોઢ ટકાની મજબૂતીમાં 24.47 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહી હતી.
આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો 4 પૈસાની મજબૂતીમાં 73.31ના મથાળે બંધ રહ્યો હતો.