મુંબઇઃ ભારતીય શેરબજારમાં સળંગ સાતામાં દિવસે બુલરન ચાલુ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી સતત સાતમાં દિવસે પોઝિટિવ ઝોનમાં બંધ રહ્યા હતા અને તેના પ્રતાપે માર્કેટકેપ નવા ઉચ્ચત્તમ સ્તરે પહોંચી હતી. આ સાથે ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર સપ્તાહનો સૌથી મોટો સાપ્તાહિક સુધારો પણ જોવા મળ્યો હતો. જે સેન્સેકસ અને નિફ્ટીમાં તેજીની આગેકૂચ ચાલુ રહેવાના સંકેત આપે છે.
માર્કેટકેપ રૂ. 160.68 લાખ કરોડની ટોચે, સેન્સેક્સ 326 પોઇન્ટ વધ્યો
આજે શુક્રવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ 326 પોઇન્ટના સુધારામાં 40,509ના સ્તરે બંધ થયો હતો. જેના પગલે બીએસઇની કુલ માર્કેટકેપ વધીને રૂ. 160.68 લાખ કરોડને આંબી ગઇ હતી. હાલ સેન્સેક્સ તેના ઓલટાઇમ હાઇ લેવલ 42,272થી માત્ર 4 ટકા જ છેટુ છે. બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટની આગેકૂચમાં 11914ના મથાળે બંધ રહ્યો હતો.
શેરબજારની આજેની આગેકૂચની આગેવાની બેન્કિંગ સેક્ટરે લીધીહતી. નિફટી બેંક ઈન્ડેકસ 655 અંકોના હાઈ જમ્પ સાથે 2.83% ઉછળી 23,846ના રેકોર્ડ હાઈ પર બંધ આવ્યું હતુ. સરકારી બેંકોએ આજે જોર પકડ્યું હતુ. નિફટી પીએસયુ ઈન્ડેકસ 3.10%ના ઉછાળે 1333 પર બંધ આવ્યું છે. આજે SBIએ લીડ લેતા 3.52%નો હનુમાન કૂદકો બતાવી 3.52% ઉછળ્યો છે. આજના બજારના ટોપ 5 ગેનર્સમાં 4 તો માત્ર બેંકિંગ શેર હતા. સેન્સેક્સના 30 બ્લુચિપ સ્ટોકમાંતી 15 સ્ટોક સુધર્યા હતા. જેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેંક, એસબીઆઇ, એચડીએફચી બેન્ક 3.6થી 3.5 ટકા વધ્યા હતો. તો લાર્સન, ઓએનજીસી, ઇન્ફોસિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, એચડીએફસી, એનટીપીસી, આઇટીસી કંપનીના શેર લગભગ અડધાથી 3.1 ટકા જેટલા ઉંચકાયા હતા. એક સપ્તાહમાં 11% તૂટ્યાં બાદ આજે L&Tનો શેર 3% ઉંચકાયો છે. આજે 247 સ્ટોકમાં તેજીની સર્કિટ લાગી હતી.