મેડ્રિડ : અહી રમાઇ રહેલી મેડ્રિડ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં મારિન સિલિચ પેટની સમસ્યાને કારણે મેચમાંથી હટી જતાં નોવાક જાકોવિચનો સેમી ફાઇનલમાં પ્રવેશ થયો હતો. સિલિચે ટ્વિટ કરીને મેચ પહેલા હટી જવા અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું કે મને ઍ જાહેર કરતાં દુખ થાય છે કે મારે આજે મેચમાંથી હટવું પડી રહ્યું છે. આ રીતે મારું અભિયાન પૂર્ણ થવા માટે મને ઘણું દુખ થાય છે.
સેમી ફાઇનલમાં જાકોવિચનો સામનો રોજર ફેડરર અને ડોમિનિક થીમ વચ્ચે રમાનારી કવાર્ટર ફાઇનલના વિજેતા સામે થશે. 3 વર્ષ પછી ક્લેકોર્ટ પર પાછા ફરેલા ફેડરરે બે કલાક સુધી ચાલેલી મેચમાં ફ્રાન્સના ગેલ મોંફિલ્સને 6-0, 4-6, 7-6થી હરાવીને અંતિમ 8માં પ્રવેશ કરી લીધો હતો.
આ તરફ મહિલા વિભાગમાં નાઓમી ઓસાકા બે મહિનામાં બીજીવાર બેલિન્ડા બેનસિચ સામે 3-6, 6-2, 7-5થી હારીને આઉટ થઇ હતી. આ સિવાય ચેક પ્રજાસત્તાકની ડિફેન્ડીંગ ચેમ્પિયન પેટ્રા ક્વિટોવા પણ કિકી બર્ટેન્સ સામે હારીને આઉટ થઇ હતી.