રાજ્યમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો અને વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા ભારે પવનો સાથે સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી થઈ છે.
રાજ્યમાં તા.29મી જૂન થી પાંચમી જુલાઇ સુધી સુસવાટા મારતા ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે.
સમુદ્રમાં ડિપ્રેસન સર્જાતા પવનની ગતિ વધવાની શક્યતાઓને લઈ દરિયાઇ વિસ્તારમાં ભારે પવનો સાથે વરસાદ પડવાની સંભાવના ને પગલે દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં માછીમારોને ન જવા સૂચના આપવામાં આવી છે.
અમરેલી જીલ્લાના દરિયાકાંઠા ઉપર તંત્ર નજર રાખી રહ્યુ છે.
જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે તોફાની વરસાદ થવાની આગાહી થઈ છે.
તા. 29 અને 30મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે પાંચમી જુલાઇ સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.