કોરોના એ દેશ ને છિન્નભિન્ન કરી નાખ્યો છે અને લોકડાઉન માં ધંધા રોજગાર બંધ થઈ રોજગારી ગુમાવી ચૂકેલા શ્રમિકો તથા અન્ય લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે.આવા દ્રશ્યો દુનિયા ના બીજા દેશો માં નથી કારણ કે ભારત જેવા ગરીબ દેશમાં શ્રમિકો ની સંખ્યા ખુબજ વધુ છે કે જેઓ પોતાના વતન છોડી નજીક ના શહેરો કે બીજા રાજ્યોમાં દૈનિક વેતન વાળા કામો કે ફુટપાથ ઉપર બેસી ને નાના ધંધા કરતા ફેરિયાઓ ની સંખ્યા વધુ છે આ એવા પરિવાર છે કે જેઓ પોતે અને બાળકો પણઅશિક્ષિત હોય છે એવા સેંકડો પરિવાર ની જિંદગી બરબાદ થઈ ગઈ છે ,50 દિવસના લૉકડાઉને ગરીબ શ્રમિકોનું જીવવું દુષ્કર કરી નાખ્યું છે. સરકાર ટીવીમાં પ્રગટ થઈ ને ભલે ગમેતે દાવા કરે પણ ગ્રાઉન્ડ રિયાલિટી ખુબજ ચોંકાવનારી છે.
હાઇવે કે રોડ ઉપર હજ્જારો ની સંખ્યા માં શ્રમિકો ચાલતા જઇ રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશના આર્થિક પાટનગર ઇન્દોરના બાયપાસ રોડ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે જે જોઈ વાસ્તવિકતા શુ છે તે કહેવાની જરૂર પડતી નથી એક તરફ બળદ અને બીજી તરફ બાળક ગાડું ખેચીને જતી આ તસવીર ઘણું બધું કહી જાય છે.મોટાભાગે આવા પરિવાર ગધેડા કે ઉટગાડી વગરે માં પોતાનો સામાન રાખતા હોય છે અને જુદીજુદી જગ્યા એ હેરાફેરી કરતા હોય છે.
એક પરિવાર એટલો લાચાર થઇ ગયો કે ગામડે પાછા ફરતી વખતે રસ્તામાં જ એક બળદ અડધાથી પણ ઓછા ભાવે વેચવો પડ્યો હતો, બળદગાડું ખેંચવા બીજા બળદ સાથે 15 વર્ષનો મનોજ જાતે જ જોતરાઇ ગયો. આ પરિવાર મધ્ય પ્રદેશના જુલવાનિયાથી અંદાજે 200 કિ.મી. દૂર દેવાસ જવા નીકળ્યો છે. આ પરિવાર ના સભ્યોએ જણાવ્યું કે તેંમના પાંચ જણાના પરિવારમાં બે બહેન, બનેવી અને પિતા છે. એક બહેન સગર્ભા છે.
તેઓ જુલવાનિયા નજીકથી દેવાસ માટે પગપાળા નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન ખાવા-પીવાનો સામાન અને પૈસા ખલાસ થઇ ગયા. મુશ્કેલીઓ વધી રહી હતી. મુસાફરી અડધી જ પૂરી થઇ હતી. તેથી બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે એક બળદ વેચી દઇએ તો થોડા દિવસ નીકળી જશે. પછી જે થશે તે જોયું જશે અને મજબૂરીમાં પરિવાર ના સભ્ય જેવો બળદ સાવ સસ્તામાં વેચવો પડ્યો એમ કહેતા જ તેઓ ની આંખો ભરાઈ આવે છે.
તેઓ એ કહ્યું હજુઅંદાજે 100 કિ.મી. નું અંતર કાપવાનું છે. એવામાં 40 ડિગ્રી ગરમીમાં મનોજના ખભે લદાયેલો બળદગાડાનો બોજ શ્રમિકોની વાસ્તવિક સ્થિતિ વર્ણવે છે. કોરોનાના કારણે આવા હજારો લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે કે જેઓ નાનુમોટુ કામ કરતા હતા તેઓ ની જિંદગી પાયમાલ થઈ ગઈ છે.
જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે દ્રશ્યો હાલ ભારત ની સડકો ઉપર જોવા મળી રહ્યા છે જે વાસ્તવિકતા જોઈ ને ગમેતેવા પથ્થરદિલ નું હદય પણ પીગળી જાય તેવો માહોલ છે.