મુંબઇઃ આજે ભારતીય શેરબજારમાં મંદીની મોજુ ફરી વળતા રોકાણકારોને જંગી નુકસાન સહન કરવુ પડ્યુ છે. બેન્ચમાર્ક સેન્સેક્સમાં આજે 1066 પોઇન્ટો કડાકો બોલાયો હતો અને સેશનના અંતે 39,728ના સ્તરે બંધ આવ્યો હતો. તો બેન્ચમાર્ક નિફ્ટી પણ 290 પોઇન્ટ તૂટીને 11680ના સ્તરે બંધ રહ્યા હતા. શેરબજારમાં 10 દિવસની એકધારી તેજી આવેલા ધબકડાથી શેરબજારમાં મોટો આંચકો લાગ્યો હતો. આજના આ કડાકાથી રોકાણકારોની રૂ. 3.3 લાખ કરોડની મૂડી સાફ થઇ ગઇ હતી. આજે સેશનના અંતે બીએસઇની માર્કેટકેપ ઘટીને 1,57,31,141 કરોડ રૂપિયા થઇ હતી.
આજે સેન્સેક્સના 30 બ્લુચીપમાંથી એક માત્ર એશિયન પેઇન્ટને બાદ કરતા તમામ શેર રેડ ઝોનમાં બંધ આવ્યા હતા. જેમા બજાજ ફિનસર્વ, ટેકમ મહિન્દ્રા, ઇન્ડ્સઇન્ડ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, રિલાયન્સ, ભારતી એટેલ, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફિનસર્વ જેવા શેર સવા ત્રણથી પાંચ ટકા જેટલા તૂટ્યા હતા. સેન્સેકસ અને નિફટીમાં સવારના સેશનની ઉથલપાથલ બાદ એક જ તરફી ઘટાડો જોવા મળ્યો હતો અને ક્લોઝિંગ પણ ઈન્ટ્રાડે લો લેવલે જોવા મળી છે.
આજે બજારને નીચે ધકેલવાનું કામ બેંકિંગ અને આઈટી શેરો કર્યું છે. ઈન્ફોસિસ મજબૂત પરિણામ છતા તૂટ્યો હતો અને બેંકિંગ શેરે મંદીની આગેવાની લીધી હતી. બેંક નિફટી ઈન્ડેકસમાં આજે એકતરફી જ વેચવાલી હતી. નિફટી બેંક ઈન્ડેકસ 3.4% તૂટ્યો છે અને આઈટી ઈન્ડેકસ પણ 2.9% તૂટ્યું હતુ. સરકારી બેંક ઈન્ડેકસમાં પણ 2.8%નો કડાકો જોવા મળ્યો હતો. આજના સેન્સેકસના 1066 અંકોના કડાકામાં રિલાયન્સનો ફાળો 242 અંક, HDFC બેંકનો ફાળો 155 અંક અને ICICI બેંકનો ફાળો 100 અંક હતો.