નવી દિલ્હીઃ ભારતીયનો સોના પ્રત્યેનો મોહ વિશ્વપ્રસિદ્ધ છે. જો કે હાલ ભાવ અતિશય વધી રહેતા લોકો સોનુ ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે અને તેને પગલે દેશમાં સોનાની આયાત પણ ઘટી રહી છે. કોરોના સંકટકાળમાં આવકની અનિશ્ચિતતા અને કિંમતી ધાતુના ઉંચા ભાવના લીધે ભારતમાં સોનાની આયાત સપ્ટેમ્બરમાં ઘટી છે.
નામ જાહેર ન કરવાની શરતે માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, વિશ્વમાં સોનાના સૌથી મોટા ગ્રાહક એવા ભારત દેશમાં સપ્ટેમ્બરમાં માત્ર 8.4 ટન સોનાની આયાત કરવામાં આવી છે જે વાર્ષિક તુલનાએ સોનાની આયાતમાં 38 ટકાનો ઘટાડો દર્શાવે છે. સોનાના ભાવ અતિશય વધી જતા દેશમાં સોનાની માંગ ઓછી રહેવાના કારણે આયાત ઘટી રહી છે. અલબત ઓગસ્ટમાં સોનાની આયાત 35.5 ટન નોંધાઇ હતી. આમ માસિક તુલનાએ સપ્ટેમ્બરમાં સોનાની આયાત વધી છે.
ચાલુ કેલેન્ડર વર્ષ 2020ના પ્રથમ નવ મહિનામાં સોનાની આયાત વાર્ષિક તુલનાએ 70 ટકા ઘટીને 158 ટન નોંધાઇ છે.
જુલાઇ અને ઓગસ્ટમાં સોનાની આયાત વધારે રહી છે કારણે કે, આગામી તહેવારોની સીઝન દરમિયાન માંગ વધવાની અપેક્ષાએ બુલિયન ટ્રેડર્સ, જ્વેલર્સોએ કિંમતી ધાતુનો સ્ટોક કર્યો છે. પરંતુ સોના ભાવમાં ઉંચી સપાટીથી જંગી ઘટાડાને પગલે હાલ લોકોએ દાગીનાની ખરીદી અટકાવી દીધી છે જેના પગલે માંગ સુસ્ત છે. હવે આગામી નવેમ્બરમાં દિવાળીના તહેવારો નિમિત્ત સોનાની માંગ વધવાની અપેક્ષા રાખવામાં આવી છે.
બુલિયન બજારના જાણકારોનું કહેવુ છે કે, ઉંચી કિંમતોએ માંગ સામે એક સ્પિડ બ્રેકરનું કામ કર્યુ છે. આગામી તહેવારો દરમિયાન રોકાણકારો ફરી ખરીદી કરવા આવે તો સોનાની માંગ અને આયાતમાં રિકવરી જોવા મળી શકે છે.