અમદાવાદઃ વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલરના સપોર્ટ લેવલની નીચે જતા સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ સળંગ ત્રીજા દિવસેઘટ્યા છે. સોનાની નરમાઇ પાછળ ચાંદીમાં સુસ્તી જોવા મળી છે.
અમદાવાદ ખાતે સોના-ચાંદી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ આજે 100 રૂપિયા ઘટીને 52200 રૂપિયા થયો હતો. તેવી જ રીતે ચાંદીના ભાવમાં આજે 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 65,500 રૂપિયા થયા હતા. આમ અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. જેના પગલે સ્થાનિક બજારમાં છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવ 500 રૂપિયા અને ચાંદી. 2500 રૂપિયા સસ્તા થયા છે.
દિલ્હીના બજારમાં આજે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ માત્ર 24 રૂપિયા ઘટીને 50603 રૂપિયા થયો હતો. તો ચાંદી 157 રૂપિયા ઘટીને 60573 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ હતી.
આજે વૈશ્વિક બજારમાં સોના એ 1900 ડોલરની સપાટી ગુમાવી દીધી હતી. સાંજે સોનું સાડા આઠ ડોલરના ઘટાડે 1893 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતુ હતુ. તો ચાંદી નજીવી નરમાઇમાં 23.73 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાતી હતી. અમેરિકન ડોલરમા આવેલી મજબૂતીને પગલે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. જેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે.
દિવાળીના તહેવારો આડે હવે માત્ર એક જ મહિનાની વાર છે. પરંતુ રિટેલ ઘરાકીનો અભાવ, કોરોના સંકટકાળમાં આવકની અનિશ્ચિતતા અને આર્થિક મંદીના માહોલને પગલે બુલિયન બજારમાં કામકાજ અત્યંત તળિયે જતા રહ્યા છે. છે. જાણકારોનું કહેવુ છે કે, દિવાળીની આસપાસ માંગ વધતા સોનાના ભાવમાં ફરી તેજી આવી શકે છે.