નવી દિલ્હીઃ વૈશ્વિક સોના-ચાંદીના ભાવમાં મક્કમ વલણ અને ડોલર સામે રૂપિયો નબળો પડવાથી આજે ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવ સુધર્યા હતા. દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે આજે સોનું 188 રૂપિયા અને ચાંદી 342 રૂપિયા મોંઘી થઇ હતી. જેના પગલે આજે 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 51,220 રૂપિયા અને 1 કિગ્રા ચાંદીનો ભાવ 62,712 રૂપિયા થયો હતો. જ્યારે પાછલા વર્ષે બંને કિંમતી ધાતુઓના ભાવ અનુક્રમે 51,032 રૂપિયા અને 62,370 રૂપિયા બોલાયા હતા.
વૈશ્વિક બજારની અસર ઉપરાંત ભારતમાં આગામી તહેવારોની સિઝનમાં રિટેલ માંગ વધવાની અપેક્ષા એ બંને કિંમતી ધાતુઓના ભાવ એકંદરે મજબૂત રહ્યા છે. જેમાં અમદાવાદ ખાતે આજે સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 52,700 રૂપિયાના ભાવે સ્થિર રહ્યુ હતુ. જ્યારે ચાંદી આજે 500 રૂપિયા સસ્તી થઇ હતી અને 1 કિલોનો ભાવ 62,000 રૂપિયા થયો હતો.
આજે ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 16 પૈસાની પીછેહઠમાં 73.87ના સ્તરે બંધ થયો હતો જેનું કારણ ભારતીય શેરબજારમાં આવેલી વેચવાલી છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી નજીક આવતા તેની કરન્સી ડોલર પણ મજબૂત થતા ભારતીય ચલણ પર દબાણ આવ્યુ હતુ.
વૈશ્વિક બજારમાં આજે સોનું પાંચ ડોલરથી વધુના સુધારામાં 1907 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. તેવી જ રીતે ચાંદી પણ નજીવા સુધારામાં 24.35 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ. અમેરિકામાં આગામી સપ્તાહે પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન થવાનું છે આથી બંને કિંમતી ધાતુઓમાં આંતરપ્રવાહ એકંદરે મક્કમ છે. કારણ કે ચૂંટણી બાદ જ ત્યાં નવું આર્થિક રાહત પેકેજ થવાની સંભાવના છે.