નવી દિલ્હીઃ ઉંચા ભાવે રિટેલ ઘરાકીના અભાવે હાલ સોનાના ભાવ નરમ રહ્યા છે જ્યારે ચાંદીમાં માંગ રહેતા ભાવ વધ્યા હતા. દિલ્હી ખાતે બુલિયન બજારમાં આજે સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 137 રૂપિયા ઘટીને 51,108 રૂપિયા થયો હતો. જ્યારે ચાંદી 475 રૂપિયા મોંઘી થતા એક કિલોનો ભાવ 62,648 રૂપિયા થયો હતો.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવવાની સાથે કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક મંદીની સમસ્યાની તીવ્રતા વધતા કિંમતી ધાતુઓ એકંદરે મક્કમ રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલરના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલની ઉપર ટકી રહેવામાં સફળ થયુ છે. આજે વિશ્વબજારમાં સોનાનો ભાવ મજબૂત સાથે 1903 ડોલર પ્રતિ ટ્રોય ઔસ હતુ. જો કે ચાંદી 1.4 ટકા ઘટીને 24.34 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.
અમદાવાદ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ 100 રૂપિયા ઘટ્યા હતા અને તેને પગલે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 52,700 રૂપિયા બોલાયો હતો. તો ચાંદીના ભાવ છેલ્લા ચાર દિવસથી મક્કમ રહ્યા છે અને આજે પણ પ્રતિ 1 કિગ્રાનો ભાવ 62,500 રૂપિયા રહ્યો હતો.
ડોલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થયો
આજે ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયો 13 પૈસા મજબૂત થઇને 73.71ના સ્તરે બંધ થયો હતો જે શેરબજારમાં સુધારાને આભારી છે. આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 73.94ના સ્તરે ખુલ્યો હતો અને કામકાજ દરમિયાન ઉપરમાં 73.71 અને નીચામાં 73.94ના સ્તરેને સ્પર્શ્યો હતો. જો કે ડોલર ઇન્ડેક્સ આજે 0.07 ટકા સુધરીને 93.11ના સ્તરે રહ્યો હતો.