સુરતઃ જો તમે MBBS બનવા ના સપના જોતા હોય તો થોભી જજો કારણ કે આ ડીગ્રી માટે હજુ તમારે વધુ એક કસોટી માંથી પસાર થવું પડશે, હાલ કેન્દ્ર સરકાર દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા બાદ એક્ઝિટ એકઝામ NEXT આપવાની રહેશે અને જો વિદ્યાર્થી આ પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી એમબીબીએસની ડિગ્રી પણ નહી મળે. સરકારના આ નિર્ણય સામે મેડિકલના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને આગામી 12 માર્ચે દેશભરના વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે વિરોધ નોંધાવે તેવી વકી છે. જેમાં સુરતના વિદ્યાર્થી લીડર અને આઈએમએના અધિકારીઓ પણ જોડાશે. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો NEXT આવશે તો વિદ્યાર્થીઓ એમબીબીએસની પરીક્ષા ગંભીરતાથી નહી આપે. અને જે રીતે યુજી નીટ માટે વિદ્યાર્થીઓ 3-4 વર્ષ પહેલા તૈયારી કરે છે તે રીતે સીધી NEXT પરીક્ષા માટે તૈયારી કરશે.
સરકારે નવો નિર્ણય કર્યો છે તે મુજબ ચાલુ વર્ષે પીજી નીટની આખરી પરિક્ષા લેવાશે ત્યારબાદ આવતા વર્ષથી NEXT પરીક્ષા ફરજીયાત થઈ જશે. એમબીબીએસના 4 વર્ષ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશીપ પહેલા NEXT 1 અને ઈન્ટર્નશીપ બાદ NEXT 2 એમ બે પરિક્ષાઓ આપવાની રહેશે. જો વિદ્યાર્થી આ બંને પરિક્ષાઓ પાસ કરશે ત્યારબાદ જ વિદ્યાર્થીને ડોકટરનું લાયસન્સ મળશે. આ પરીક્ષાઓમાં એમબીબીએસના 19 વિષયોની પરીક્ષા 3 દિવસ 3 કલાકમાં આપવાની રહેશે. કટઓફના આધારે વિદ્યાર્થીને પીજીમાં પ્રવેશ મળશે.
ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસે 20 લાખનો બોન્ડ બનાવડાવે છેઃ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફી આપવામાં આવે છે. જોકે મેડિકલના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 5 લાખનો બોન્ડ અને 15 લાખની બેન્ક ડિપોઝીટ મગાય છે. એમબીબીએસ બાદ વિદ્યાર્થીઓએ એક વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. એક વર્ષની સર્વિસ પૂર્ણ કર્યા બાદ જ વિદ્યાર્થીઓને ડિપોઝીટની રકમ પરત કરાય છે. જો મેડિકલ ઓફિસ તરીકે સર્વિસ પૂર્ણ ન કરે તો MBBSની ડીગ્રી પણ અપાતી નથી. આમ મેડિકલ ક્ષેત્ર માં MBBS માં વધુ એક પરીક્ષા ને લઈ વિદ્યાર્થીઓ માં નારાજગી મીશ્રીત રોષ ની લાગણી જોવા મળી રહી છે.
