લિમા : સાઉથ અમેરિકન ટીમ પેરુએ વર્લ્ડ કપ પ્લે ઓફ મુકાબલાની સેકન્ડ લેગ મેચમાં ન્યૂઝીલેન્ડને ૨-૦થી પરાજય આપી ૨૦૧૮માં રશિયામાં યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. પેરુની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થનારી ૩૨મી અને અંતિમ ટીમ બની હતી. પેરુ ૧૯૮૨માં સ્પેનમાં રમાયેલા વર્લ્ડ કપ બાદ એટલે કે, ૩૫ વર્ષ બાદ પ્રથમવાર ક્વોલિફાઈ થવામાં સફળ રહી છે જ્યારે ફૂટબોલના ઇતિહાસમાં પેરુ પાંચમી વખત મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું છે.
ન્યૂઝીલેન્ડ અને પેરુ વચ્ચે ફર્સ્ટ લેગ વેલિંગ્ટનમાં રમાયો હતો જે ૦-૦થી ડ્રો રહ્યો હતો જ્યારે પેરુએ હોમ ગ્રાઉન્ડ પર જેફર્સન ફેરફાન અને ક્રિસ્ટિયન રામોસના ગોલની મદદથી ૨-૦થી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે જ સમગ્ર પેરુમાં સમર્થકો દ્વારા પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પેરુના સમર્થકોએ ઉજવણીના ઉન્માદમાં ન્યૂઝીલેન્ડ ટીમ જે હોટેલમાં રોકાઈ હતી તે હોટેલને નિશાન બનાવી આખી રાત ફટાકડા ફોડી ખેલેલ પહોંચાડી હતી.
મેચની ૨૮મી મિનિટે જેફર્સન ફેરફાને ગોલ કરી પેરુ ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. ફેરફાને ત્યાર બાદ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવાને કારણે ટીમની બહાર રહેલા પાઉલો ગુરેરાના માનમાં તેની નવ નંબરની જર્સી દર્શાવી હતી. પ્રથમ હાફમાં ૧-૦થી આગળ રહ્યા બાદ બીજા હાફમાં ૬૫મી મિનિટે ક્રિસ્ટિયન રામોસે ગોલ કરી ટીમને ૨-૦ની સરસાઈ અપાવી હતી જે અંત સુધી જાળવી રાખી મેચ જીતી લીધી હતી.
આ સાથે ન્યૂઝીલેન્ડની ટીમનું ત્રીજી વખત વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ થવાનું સ્વપ્ન પણ રોળાઈ ગયું હતું.