બેંગકોક :ભારતીય બોક્સર અમિત પંઘાલે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે પોતાની 52 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિતનો આ વર્ષનો આ બીજો ગોલ્ડ મેડલ રહ્યો હતો. ગત વર્ષે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતનારા અમિતે ફાઇનલમાં કોરિયાના કિમ ઇન્ક્યૂને એકતરફી ચુકાદામાં હરાવ્યો હતો. જો કે ભારતના અન્ય બે બોક્સર કવિન્દર સિંહ બિષ્ટ અને નેશનલ ચેમ્પિયન દીપક સિંહ ફાઇનલમાં હારતા બંનેએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. દીપક સિંહની બાઉટમાં જજીસના ખંડિત ચુકાદાને ભારતે બાઉટ રિવ્યુ સિસ્ટમમાં પડકાર્યો છે, જેનો નિર્ણય હજુ આવવાનો બાકી છે.
અમિતે આ ટુર્નામેન્ટ પહેલા ફેબ્રુઆરીમાં સ્ટ્રેન્ઝા મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે 49 કિગ્રામાંથી 52 કિગ્રાની કેટેગરીમાં શિફ્ટ થયા પછી અમિતની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી. પંઘલે પોતાની બાઉટની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી અને તેની એ વ્યુહરચના કામ લાગી હતી. તેના કોરિયન પ્રતિસ્પર્ધી પાસે તેના આક્રમણનો કોઇ જવાબ નહોતો. અમિતે તેને ઘણીવાર ખુણામાં ધકેલી દીધો હતો અને સાથે જ પોતાના મજબૂત ડિફેન્સ વડે પોતાની વિરુદ્ધ થયેલા હુમલાને ખાળ્યા હતા.
દીપકની બાઉટના જજીસના ખંડિત ચુકાદાને ભારતે બાઉટ રિવ્યુ સિસ્ટમમાં પડકાર્યો, જેનો નિર્ણય આવવાનો બાકી
નેશનલ ચેમ્પિયન દીપક સિંહ 49 કિગ્રાની પોતાની કેટેગરીની ફાઇનલમાં જજીસના ખંડિત ચુકાદામાં ઉઝબેકિસ્તાનના નોડિર્જોન મિર્ઝામદેવ સામે હાર્યો હતો. ભારતે આ નિર્ણય સામે બાઉટ રિવ્યુ સિસ્ટમમાં પડકાર ફેંક્યો છે અને તે અંગે હજુ નિર્ણય આવવાનો બાકી છે. આ તરફ દીપકે પણ સારી રમત બતાવી હતી પણ તે જજીસને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જજીસે દીપકની વિરુદ્ધમાં ખંડિત ચુકાદો આપ્યા પછી ભારતીય છાવણીમાંથી આ નિર્ણય સામે રીવ્યુ લેવાનો નિર્ણય કરાયો હતો. આ બાબતે જો નિર્ણય દીપકની વિરુદ્ધનો આવશે તો ભારતીય ફેડરેશને 1000 ડોલરનો દંડ ભરવો પડશે.
આ સિવાય કવિન્દર સિંહ બિષ્ટને ઉઝબેકિસ્તાનના મિરાજિઝબેક મિર્ઝાહેલિવોવે ફાઇનલમાં હરાવ્યો હતો. ઉત્તરાખંડના બોક્સર કવિન્દર સિંહ આ બાઉટમાં જમણી આંખ પર પટ્ટી બાંધીને રમવા ઉતર્યો હતો. બિષ્ટને ક્વાર્ટર ફાઇનલ અને તે પછી સેમી ફાઇનલ એમ બંને બાઉટમાં આંખ પર ઇજા થઇ હતી.