બેંગકોક : ભારતીય બોક્સર અમિત પંઘાલે ઍશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે પોતાની 52 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિતનો આ વર્ષનો આ બીજો ગોલ્ડ મેડલ રહયો હતો. જ્યારે મહિલાઓમાં પુજા રાનીઍ ગોલ્ડ જીતતા આ બંને બોક્સરોના જોરે ભારતે ઍશિયન ચેમ્પિયનશિપમાં પોતાનું અભિયાન જોરદાર રીતે પૂર્ણ કર્યુ હતું. ભારતે આ ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અમને 7 બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ જીત્યા હતા. પહેલીવાર મહિલાઓ અને પુરૂષોની ટુર્નામેન્ટનું ઍકસાથે આયોજન કરાયું હતું.
ગત વર્ષે ઍશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતનારા અમિતે ફાઇનલમાં કોરિયાના કિમ ઇન્ક્યૂને ઍકતરફી ચુકાદામાં હરાવ્યો હતો. અમિતે આ ટુર્નામેન્ટ પહેલા ફેબ્રુઆરીમાં સ્ટ્રેન્ઝા મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે 49 કિગ્રામાંથી 52 કિગ્રાની કેટેગરીમાં શિફ્ટ થયા પછી અમિતની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી. આ ઉપરાંત 2012માં અહીં સિલ્વર મેડલ જીતેલી પૂજા રાનીઍ ચીનની વાંગ લીનાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. રાનીની બાઉટ ભારતીય ટીમમાંથી છેલ્લી હતી. પૂજાઍ શરૂઆત ધીમી કરી પણ પછી બાઉટ આગળ વધતા તેણે સ્પીડ પકડીને અંતે જજીસના ખંડિત ચુકાદાથી તે જીતી હતી. સિમરનજીત કૌર ફાઇનલમાં હારતા તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
આ તરફ દીપકે પણ સારી રમત બતાવી હતી પણ તે જજીસને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. નેશનલ ચેમ્પિયન દીપક સિંહ 49 કિગ્રાની પોતાની કેટેગરીની ફાઇનલમાં જજીસના ખંડિત ચુકાદામાં ઉઝબેકિસ્તાનના નોડિર્જોન મિર્ઝામદેવ સામે હાર્યો હતો. ભારતે આ નિર્ણય સામે બાઉટ રિવ્યુ સિસ્ટમમાં પડકાર ફેંક્યો હતો. ભારતના હાઇ પરફોર્મન્સ ડિરેક્ટર સેન્ટિયાગો નીવાઍ કહ્યું હતું કે અમે નિર્ણય બદલાવી ન શક્યા પણ વિરોધ નોંધાવ્યો છે. આ સિવાય કવિન્દર સિંહ બિષ્ટને ઉઝબેકિસ્તાનના મિરાજિઝબેક મિર્ઝાહેલિવોવે ફાઇનલમાં હરાવ્યો હતો. ઉત્તરાખંડના બોક્સર કવિન્દર સિંહ આ બાઉટમાં જમણી આંખ પર પટ્ટી બાંધીને રમવા ઉતર્યો હતો. બિષ્ટને ક્વાર્ટર ફાઇનલ અને તે પછી સેમી ફાઇનલ ઍમ બંને બાઉટમાં આંખ પર ઇજા થઇ હતી.