નિગ્બાઓ (ચીન) : ભારતના વેઇટ લિફ્ટર પ્રદીપ સિંહ અને મીરાબાઇ ચાનુએ શુક્રવારે અહીં એશિયન ચેમ્પિયનશિપની 102 કિગ્રાની કેટેગરીમાં ક્લિન એન્ડ જર્ક સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો.. પ્રદીપે ક્લિન એન્ડ જર્કમાં 201 કિગ્રા વજન ઉઠાવ્યું હતું પણ ગ્રુપ એમા 7 પ્રતિસ્પર્ધીમાં સ્નેચમાં150 કિગ્રામાં તેનો પ્રયાસ નાકામ રહ્યો હતો. તેણે કુલ 351 કિગ્રા વજન ઉઠાવ્યું હતું જેના કારણે તે છઠ્ઠા સ્થાને રહ્યો હતો.
માજી વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઇ ચાનુએ 49 કિગ્રાની કેટેગરીમાં 113 કિગ્રાના અંગત પ્રયાસમાં ક્લિન એન્ડ જર્કમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જો કે તે 199 કિગ્રાના કુલ વજનમાં ચોથા સ્થાને રહી હતી. જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ ઝિલી ડાલાબેહડાએ મહિલાઓની 45 કિગ્રાની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જો કે આ કેટેગરી ઓલિમ્પિક્સ વેઇટ કેટેગરીમાં નથી આવતી. ઉપખંડીય અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ સ્નેચ, ક્લિન એન્ડ જર્ક અને કુલ વજનમાં આપવામાં આવે છે, જ્યારે ઓલિમ્પિક્સમાં માત્ર ટોટલ વેઇટ કેટેગરીમાં એક જ મેડલ આપવામાં આવે છે.