લોકડાઉનનો મોટો ફાયદો સ્થાનિક યુવાનોને થઇ રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં થાય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગો તો શરૂ થયાં છે પરંતુ શ્રમિકોની અનઉપસ્થિતિ વચ્ચે પડી રહેલી મુશ્કેલીના નિવારણ માટે સ્થાનિક સ્તરે મજૂરો શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અનસ્કીલ્ડ હશે તેમને ટ્રેનિંગ આપીને કામે લગાડવાનું પણ કેટલીક ફેક્ટરી અને ઉદ્યોગોએ શરૂ કર્યું છે.
લોકડાઉનના પોણા ત્રણ મહિનાની ખોટ વસૂલ કરવા માટે ઉદ્યોગજૂથોએ આગામી દિવસોમાં વધારે ઉત્પાદન કરવું પડશે તેવી અપેક્ષાએ સ્થાનિક કામદારોની શોધ શરૂ કરવામાં આવી છે. હાલમાં માઇગ્રન્ટ કામદારો વતન જઈ રહ્યા હોવાથી ઉદ્યોગોમાં કામદારોની અછત પેદા થાય તેમ છે. એક ઉદ્યોગજૂથના અગ્રણીએ કહ્યું છે કે સ્થાનિક લેવલે સ્કીલ્ડ અને સેમીસ્કીલ્ડ કામદારોની માંગમાં 40 ટકાનો ઉછાળો આવ્યો છે.
ગુજરાતના ઉત્પાદકોને ઓપરેટિંગ મશીન ચલાવવા અને પ્રોડક્શન લાઇન પર કામ કરવા માટે સ્કીલ્ડ કામદારોની જરૂર છે. આ ઉપરાંત પેકેજિંગ, લોજિસ્ટિક્સ અને સેનિટેશન જેવા કામ માટે સ્કીલ વગરના કામદારોની પણ આવશ્યકતા છે. આ કામદારો સ્થાનિય કક્ષાએ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
ખાસ કરીને સુરત અને અમદાવાદમાં કારીગરોની સૌથી વધુ તંગી ઉભી થઇ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 10 લાખ જેટલા શ્રમિકો તેમના વતન જતા રહ્યાં છે જે પૈકી ગુજરાતના ઉદ્યોગો તેમજ ફેક્ટરીઓને હાલ પાંચ લાખ જેટલા શ્રમિકો અને કામદારોની જરૂરિયાત છે.
ગુજરાતની કંપનીઓ સ્કીલ્ડ લેબરની અછતને પહોંચી વળવા માટે વધુ લોકોને તાલીમ આપવા તૈયાર થઇ છે. ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદકોએ કામદારોની તાલીમ શરૂ કરી છે અને તેમને તાત્કાલિક કામે લગાડવાનું પણ શરૂ કર્યું છે. આ કંપનીઓ તાલીમ દરમ્યાનનો પગાર પણ કામદારોને આપશે.
કેટલીક મોટી કંપનીઓ નાની કંપનીઓના સ્કીલ્ડ કામદારોને પણ આકર્ષવા પ્રયત્ન કરે છે જ્યાં હજુ ઉત્પાદન શરૂ થયું નથી. કંપનીઓ તેમના કામદારોને બીજા શ્રમિકો શોધી લાવવા જણાવે છે જેઓ અત્યારે બેરોજગાર થયા હોય. કેટલીક કંપનીઓમાં વર્કર રેફરલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે અને તેના સફળ રેફરલ માટે 500 થી 1000 રૂપિયાનું કેશ પેમેન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
અત્યારે દરેક વિસ્તારમાં સ્થાનિક કામદારો માટેની માંગ અલગ અલગ સ્તરે છે. કેટલાક ઉદ્યોગોમાં નજીકના વિસ્તારોમાંથી શ્રમિકો મળી રહે છે તેથી તેમણે કામદારોની અછત નડશે નહીં. કેટલીક કંપનીઓને સ્કીલ્ડ કામદારો જોઇએ છે તે રાજ્યના બીજા જિલ્લાઓમાંથી પણ લેવા માટે તૈયાર છે. મજૂરોની ગેરહાજરી વચ્ચે પ્રભાવિત થયેલા વિસ્તારોમાં પ્રથમક્રમે સુરત આવે છે, ત્યારબાદ અમદાવાદનો વારો છે. આ બન્ને જગ્યાએથી મોટાભાગના શ્રમિકો તેમના વતન ગયા છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.