વિશ્વની જેમ હવે ભારત અને ગુજરાતમાં કોરોના સંક્રમના કેસો વધતા જાય છે. સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન ચોથું છે પરંતુ કોઇપણ સમયે ભારત ત્રીજાનંબરનો કોરોના સંક્રમિત દેશ થઇ જાય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં એક એવા અણસાર મળ્યાં છે કે કોરોના દર્દીને રોગ તો મટી ગયો. સાજો થઇને ઘરે ગયો છે પરંતુ કદાચ તેને જીવનભર બીજી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો રહેશે.
એક અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે કોરોનાથી ઠીક થનારા દર્દીઓમાં દર ત્રણમાંથી એક દર્દીમાં જીંદગીભર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. અને લાંબો સમય સુધી તેમના માટે ફેફસાંને નુકસાન પણ થઈ શકે છે. બ્રિટીશ અખબારે ઈંગ્લેન્ડના મુખ્ય સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસના ગાઈડન્સનો રિપોર્ટ આપીને આ વાત પ્રકાશિત કરી છે.
હેલ્થ એક્સપર્ટનું એ પણ કહેવું છે કે આ વાતની સતત સાબિતી મળી રહી છે કે કોરોનાથી શરીરની સ્થાયી સમસ્યાઓ થઈ શકે છે. કોરોનાથી બીમાર થયા પછી સાજા થનારા લોકોના મગજમાં નુકસાન પહોંચી શકે છે. અને અલજાઈમરનો ભય પેદા થઈ શકે છે. 30 ટકા દર્દીઓના ફેફસામાં નુકસાન પહોંચી શકે છે.
બ્રિટનનના નેશનલ હેલ્થ સર્વિસની ગાઈડમાં કહેવાયું છે કે કોરોનાથી ઠીક થનારા 30 ટકા દર્દીઓના ફેફસામાં નુકસાન પહોંચી શકે છે. તેમને સતત થાક લાગવાની સમસ્યાઓ અને માનસિક તકલિફ પણ થઈ શકે છે. આઈસીયુમાં ઈલાજ બાદ જે દર્દી ઠીક થયા છે તેમનામાં અડધાથી વધારે લોકોને લાંબો સમય સુધી તકલીફ આવે છે. પથારીમાંથી ઊભા થવાની પણ મુશ્કેલી ઉભી થાય છે.
એનએચએસ એ કોવિડ રિકવરી સેન્ટરના મુખ્ય હિલેરી ફ્લોયેડે કહ્યું હતું કે મને ચિંતા એ છે કે કોરોનાની લાંબા સમય સુધી પડનારી અસર સામે લોકોને ઓછી જાણકારી છે. દર્દીઓને કોરોના નેગેટિવ હોવા છતાં પણ સારવારની જરૂર પડે છે. વિશ્વમાં 40 થી 50 વર્ષના ઘણાં દર્દીઓ જે સાજા થઈ ચૂક્યા છે તેમને હવે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના થયા પહેલાં કેટલાક દર્દીઓ જીમ, સ્વિમીંગ અને બિઝનેસમાં કલાકો સુધી કામ કરતા હતા પરંતુ કોરોના સારવારમાંથી સાજા થયા પછી તેઓ એવું કરી શકતા નથી. પથારીમાંથી ઉભા થવામાં તકલીફ પડે છે.