અમદાવાદ : ફિફા વર્લ્ડ કપના સેકન્ડ પ્લે ઓફના મુકાબલામાં ડેન્માર્કે રિપબ્લિક ઓફ આયરલેન્ડને ૫-૧થી હરાવી રશિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આયરલેન્ડના ઘરઆંગણે અવિવા સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ડેન્માર્કે આયરલેન્ડને હરાવી વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાના સ્વપ્નને રોળી નાખ્યુ હતું. આ પહેલાં ડેન્માર્કમાં રમાયેલા પ્રથમ પ્લે ઓફ મુકાબલામાં આયરલેન્ડે મેચ ડ્રો કરી હતી. ડેન્માર્ક માટે આ મેચનો હીરો ટોટનહામ હોટસ્પુરનો મિડફિલ્ડર ક્રિસ્ટિયન એરિકસન રહ્યો હતો જેણે આ મેચમાં હેટ્રિક ફટકારી હતી. આ સાથે એરિકસન વર્લ્ડ કપના યુરોપિયન ક્વોલિફિકેશન રાઉન્ડ અને પ્લે ઓફમાં સૌથી વધુ ૧૦ ગોલ ફટકારનારો મિડફિલ્ડર બની ગયો છે.
આ મેચમાં રિપબ્લિક ઓફ આયરલેન્ડે તરફથી મેચની ફક્ત છઠ્ઠી મિનિટે ટીમના ડિફેન્ડર શેન ડફીએ ગોલ ફટકારી પોતાની ૧-૦ની લીડ અપાવી હતી. જોકે, ડેન્માર્કે પણ સ્કોરની બરાબરી કરવામાં વધુ સમય નહોતો લીધો અને ચેલ્સીના યુવા ડિફેન્ડર આન્દ્રેસ ક્રિસ્ટિન્સેને ૨૯મી મિનિટે ગોલ ફટકારી ટીમને મેચમાં પરત લાવી દીધી હતી. આ ગોલની ત્રણ મિનિટ બાદ ટોટનહામના સ્ટાર મિડફિલ્ડર એરિકસને જોર્ગેન્સનના પાસને ગોલમાં ફેરવી ડેન્માર્કને ૨-૧ની લીડ અપાવી દીધી હતી. આયરલેન્ડ માટે સૌથી ખરાબ સમય બીજા હાફમાં રહ્યો હતો જ્યારે એરિકસને ૬૩ અને ૭૩મી મિનિટે ગોલ ફટકારી પોતાની હેટ્રિક પૂરી કરી હતી. એરિકસનની હેટ્રિક સાથે જ ડેન્માર્કે વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. મેચની અંતિમ ક્ષણોમાં સબસ્ટિટયૂટ નિકોલસ બેન્ટનરે પેનલ્ટી દ્વારા ગોલ ફટકારી ડેન્માર્કને ૫-૧થી જીત અપાવી હતી.
મિલે જેડિનેકની હેટ્રિક, ઓસી.નો વર્લ્ડ કપમાં પ્રવેશ
હોન્ડુરાસ સામેના વર્લ્ડ કપના પ્લે ઓફ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ હોન્ડુરાસને ૩-૧થી પરાજય આપી આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પ્રથમ હોફ ગોલ રહિત રહ્યો હતો. જોકે, બીજા હાફમાં ૫૩મી મિનિટે એસ્ટન વિલાના સ્ટાર મિડફિલ્ડર મિલે જેડિનેકે ફ્રી કિક દ્વારા ગોલ ફટકારી ઓસ્ટ્રેલિયાને ૧-૦ની લીડ અપાવી દીધી હતી. ત્યારબાદ હોન્ડુરાસે ઓસ્ટ્રેલિયાને બે પેનલ્ટીની ભેટ આપી હતી જેને ગોલમાં ફેરવી જેડિનેકે પોતાની હેટ્રિક પૂરી કરી હતી અને સાથે સાથે ઓસ્ટ્રેલિયાને જીત પણ અપાવી દીધી હતી. મેચની અંતિમ ક્ષણોમાં હોન્ડુરાસ તરફથી આલ્બર્થ એલિસે ગોલ ફટકારી પરાજયનું અંતર ઓછું કર્યું હતું.