બૈજિંગ : ભારતના 17 વર્ષિય યૂવા શૂટર દિવ્યાંશ સિંહ પંવારે શુક્રવારે અહીં આઇઍસઍસઍફ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે ચોથો ઓલિમ્પિક્સ ક્વોટા મેળવી લીધો હતો. પોતાની બીજી જ સીનિયર સ્પર્ધામાં બાગ લઇ રહેલા દિવ્યાંશે 10 મીટર ઍર રાયફલ ઇવેન્ટમાં 249.0ના કુલ સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કમનસીબે તે માત્ર 0.4 પોઇન્ટથી ગોલ્ડ જીતતા ચુક્યો હતો. ચીનના ઝિચેન્ગ હુઇઍ 249.4 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રશિયાના ગ્રિગોરી શામોકોવે 227.5 પોઇન્ટના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ ભારત માટે ચોથો ઓલિમ્પિક્સ ક્વોટા છે. આ પહેલા અંજુમ મોડગિલ અને અપૂર્વી ચંદેલા 10 મીટર ઍર રાયફલ મહિલા તેમજ સૌરભ ચૌધરી 10 મીટર ઍર પિસ્તોલ પુરૂષનો ઓલિમ્પિક્સ ક્વોટા વર્લ્ડ કપ અને ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેળવ્યો હતો. દિવ્યાંશે કુલ 629.2 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી ફાઇનલમાં ક્વોલિફાઇ કર્યુ હતું. અન્ય ભારતીયોમાં રવિ કુમાર 624.1 પોઇન્ટ સાથે 44માં તેમજ દીપક કુમાર 622.6 પોઇન્ટ સાથે ૫૭માં ક્રમે રહ્યા હતા.