વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનમાં પહેલા દિવસથી શરૂ થયેલો અપસેટનો દોર હજુ અટક્યો નથી અને બીજા દિવસે વિશ્વના ચોથા ક્રમાંકિત ડોમિનિક થિઍમ તેમજ મહિલા સિંગલ્સમાં માજી નંબર વન ગર્બાઇન મુગુરૂઝા ઉપરાંત ત્રીજા દિવસે 22માં ક્રમાંકિત સ્ટાન વાવરિંકા અપસેટનો શિકાર બન્યા હતા. આ તરફ મંગળવારે રોજર ફેડરર પણ પહેલો સેટ હાર્યા પછી વાપસી કરીને જેમ તેમ મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો હતો, તો રાફેલ નડાલ અને સેરેના વિલિયમ્સ સરળતાથી જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા હતા.
ચોથા ક્રમાંકિત થિઍમને 65માં ક્રમાંકિત અમેરિકન ખેલાડી સેમ ક્વેરીઍ 6-7, 7-6, 6-3, 6-0થી હરાવ્યો હતો. ક્વેરીઍ પહેલો સેટ ગુમાવ્યો હોવા છતાં વાપસી કરીને મેચ જીતી હતી બુધવારે સ્ટાન વાવરિંકાને રાઇલી ઓપેલેન્કાઍ પાંચ સેટની લડત પછી 7-5, 3-6, 4-6, 6-4, 8-6થી હરાવીને સ્પર્ધા બહાર કર્યો હતો.
આ પહેલા રોજર ફેડરર અપસેટનો શિકાર બનતા રહી ગયો હતો. દક્ષિણ આફ્રિકાના નવોદિત ખેલાડી લોઇડ હેરિસ સામે તે પહેલો સેટ 3-6થી હારી ગયો હતો પણ તે પછી તેણે જોરદાર વાપસી કરીને અંતે મેચ 3-6, 6-1, 6-2, 6-2થી જીતી લીધી હતી. જ્યારે રાફેલ નડાલ સાવ સરળતાથી જાપાનના સુગિતાને 6-3, 6-1, 6-3થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બુધવારે રમાયેલી અન્ય મેચોમાં ડેવિડ ગોફિન, થોમસ ફાબિયાનો, ડેનિલ મેડ્વેડવ, કોરી ઍડમન્ડ, મિલોસ રાઅોનિચ જેવા જાણીતા નામોઍ આગેકૂચ કરી હતી.
મહિલા વિભાગમાં વિશ્વની ૧૨૧માં ક્રમાંકિત બ્રાઝિલની બિટરીઝ હદાદ માઇયાઍ માજી વર્લ્ડ નંબર વન ગર્બાઇન મુગુરૂઝાને સીધા સેટમાં સાવ સરળતાથી 6-4, 6-4થી હરાવી દીધી હતી. આ તરફ સેરેના વિલિયમ્સે પણ પોતાની પહેલા રાઉન્ડની મેચમાં ગેટો મોન્ટિકોનને 6-2, 7-5થી હરાવીને આગેકૂચ કરી હતી. બુધવારે રમાયેલી અન્ય મેચોમાં ઍલિના સ્વીતોલીના, કેરોલિના વોઝ્નીયાંકી, વિકટોરિયા અઝારેન્કા, કેરોલિના પ્લીસકોવા અને ઍનેટ કોન્ટાવેટ પોતપોતાની મેચ જીતીને આગળ વધ્યા હતા.