ભારતમાં પહેલીવાર યોજાયેલ FIFA U17 વર્લ્ડ કપની ‘ઓલ યુરોપિયન’ ફાઇનલમાં સ્પેનને ૫-૨થી હરાવી ઇંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની ગઇ છે. ઇંગ્લેન્ડ તરફથી આ મેચમાં ફિલ ફોડેને બે તથા રિયાન બ્રેસ્ટર, મોર્ગન ગિબ્સ વ્હાઇટ, અને માર્ક ગૂહીએ એક-એક ગોલ નોંધાવ્યો હતો. જ્યારે સ્પેન તરફથી બમને ગોલ ર્સિજયો ગોમેઝે ફટકાર્યા હતા. આ જીત સાથે ઇંગ્લેન્ડની ટીમે ફિફા અંડર-૧૭ના વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે બીજી બાજુ સ્પેનની ટીમને ચોથી વખત ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડયો છે. સ્પેનની ટીમ આ પહેલા ૧૯૯૧માં ઘાનાએ, ૨૦૦૩માં બ્રાઝિલે અને ૨૦૦૭માં નાઇજિરિયાએ સ્પેનને આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પરાજય આપ્યો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડની ટીમે આ વર્ષે અંડર-
૧૭ યુરો કપની ફાઇનલમાં મળેલા પરાજયનો બદલો પણ લઇ લીધો હતો.
મેચની શરૂઆતથી જ સ્પેને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું અને ૩૧ મિનિટ સુધીમાં ૨-૦ની લીડ લેવામાં સફળતા મેળવી હતી. મેચની ૧૦મી અને ૩૧મી મિનિટે ર્સિજયો ગોમેઝે બે ગોલ ફટકારી સ્પેનને શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે, આ ચેમ્પિયનસિપમાં સૌતી વધુ ગોલ ફટકારનારા રિયાન બ્રેસ્ટરે પ્રથમ હાફની અંતિમ ક્ષણોમાં ગોલ ફટકારી ઇંગ્લેન્ડને મેચમાં પરત લાવી દીધું હતું. આમ પ્રથમ હાફના અંતે સ્પેનની ટીમ મેચમાં ૨-૧થી આગળ હતી.
બીજા હાફમાં ઇંગ્લેન્ડની ટીમની રમતમાં જોરદાર પરિવર્તન જોવા મળ્યું હતું. મેચની ૫૮મી મિનિટે મોર્ગન ગિબ્સ વ્હાઇટે ગોલ ફટકારી મેચને નાટકીય વળાંક આપ્યો હતો. તેના આ ગોલની ફક્ત પાંચ મિનિટ બાદ માન્ચેસ્ટર સિટીના સ્ટારલેટ ફિલ ફોડેને કેલ્લમ હડસન ઓડોઇના પાસને ગોલમાં ફેરવી ઇંગ્લેન્ડને ૩-૨થી લીડ અપાવી દીધી હતી. મેચની ૮૪મી મિનિટે માર્ક ગૂહીએ ઇંગ્લેન્ડ માટે ચોથો ગોલ ફટકારી પોતાની ટીમની જીત નિશ્ચિત કરી દીધી હતી. જોકે, હજુ પણ રમત પૂરી થઇ નહોતી અને ૮૮મી મિનિટે ફરી એક વખત કેલ્લમ હડસન ઓડોઇના પાસને ગોલમાં ફેરવી ફિલ ફોડેને ઇંગ્લેન્ડને ૫-૨થી અદભૂત જીત અપાવી દીધી હતી. મેચની અંતિમ ક્ષણોમાં ઇંગ્લેન્ડ અને સ્પેનના ખેલાડીઓની વચ્ચે ગરમા ગરમીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને રિયાન બ્રેસ્ટરને યલો કાર્ડ આપવામાં આવ્યું હતું. જોકે, આમ છતા ઇંગ્લેન્ડે તેમના ફૂટબોલ ઇતિહાસનું શ્રેષ્ઠ ‘કમબેક’ પ્રદર્શન કરી પ્રથમ વખત ચેમ્પિયન બનવાની અદભૂત સિદ્ધિ મેળવી હતી.
સૌથી વધુ દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ તૂટયો
ભારતમાં યોજાયેલ ૧૭મા ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપમાં યજમાન ભારતે સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ચેમ્પિયનશિપમાં કુલ ૫૨ મેચો યોજાઇ હતી જે દરમિયાન (ફાઇનલ મેચ પહેલાં) ૧૨,૮૦,૪૫૯ દર્શકોએ સ્ટેડિયમમાં જઇને મેચ નિહાળી હતી. આ પહેલાં આ રેકોર્ડ ચીનના નામે હતો. ૧૯૮૫માં યોજાયેલી પ્રથમ ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપમાં ૧૨,૩૦,૯૭૬ દર્શકોએ મેદાનમાં જઇ મેચો નિહાળી હતી. ભારતમાં સૌ પ્રથમ વખત ફિફાની કોઇ ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે રમાઇ હતી જ્યારે તે પહેલાં રમાયેલી બ્રાઝિલ અને માલી વચ્ચેની મેચમાં ૫૬,૪૩૨ દર્શકોએ હાજરી આપી હતી. આ સાથે અંડર-૧૭ વર્લ્ડ કપના ઇતિહાસમાં ફક્ત ત્રીજી વખત ૧૦ લાખ કરતાં વધુ દર્શકોએ મેદાનમાં જઇ મેચ નિહાળી છે. આ પહેલાં ૧૯૮૫માં ચીનમાં ૧૨,૩૦,૯૭૬ અને ૨૦૧૧માં મેક્સિકોમાં ૧૦,૦૨,૩૧૪ દર્શકોએ સ્ટેડિયમમાં હાજરી આપી હતી.