યુરોપની બે પાવરફુલ ટીમો સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવવાની છે. ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રથમ વખત એવુ બનવાનું છે કે જ્યારે બે યુરોપિયન ટીમો સામ સામે ટકરાશે. આ પહેલા આ ટૂર્નામેન્ટમાં યુરોપની ત્રણ ટીમો સોવિયેટ યુનિયન, ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડ ચેમ્પિયન બની છે. એટલે 8 વર્ષ બાદ ફિફા અંડર 17 વર્લ્ડ કપને આજે નવો ચૈમ્પિયન અને નવી ચૈમ્પિયન ટીમ મળશે. સ્પેન અને ઇંગ્લેન્ડ ટીમ હજુ સુધી એક પણ વાર ચૈમ્પિયન બની નથી. એટલે જે પણ ટીમ ચૈમ્પિયન બનશે તે પહેલીવાર ખિતાબ જીતી ઇતિહાસ રચશે.
ભારતમાં આ ચેમ્પિયનશિપનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ ત્રણ અઠવાડીયા બાદ આજે ભારતીય ધરતી પર પ્રથમ વખત કોઇ ટીમ ચેમ્પિયન બનશે. આ મેચનું આયોજન કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. ઇંગ્લેન્ડ અને સ્પેન બંને ટીમોએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડની ટીમે આ ટૂર્નામેન્ટમાં હજુ સુધી એક પણ મુકાબલામાં પરાજય મેળવ્યો નથી. ઇંગ્લેન્ડની ટીમે આ ચેમ્પિયનશિપમાં કુલ ૧૮ ગોલ ફટકાર્યા છે. જ્યારે બીજી બાજુ સ્પેનની ટીમે આ ચેમ્પિયનશિપની શરૂઆત પરાજયથી કરી હતી. પ્રથમ મેચમાં સ્પેનનો ત્રણ વખતની ચેમ્પિયન બ્રાઝિલ સામે ૧-૨થી પરાજય થયો હતો. જોકે, ત્યારબાદ સ્પેને પોતાની લય મેળવી લીધી છે. સ્પેને અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૫ ગોલ ફટકાર્યા છે.
નોક આઉટ રાઉન્ડમાં પ્રદર્શન ગ્રૂપ સ્ટેજ બાદ બંને ટીમોએ નોકઆઉટ રાઉન્ડમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જાપાન સામે નિર્ધારીત સમયમાં મેચ ૦-૦થી રહ્યા બાદ ઇંગ્લેન્ડેપેનલ્ટી દ્વારા મેચમાં જીત મેળવી હતી. ત્યારબાદ ક્વાર્ટરમાં અમેરિકાને ૪-૧થી અને સેમિફાઇનલમાં સાઉથ અમેરિકન પાવરહાઉસ બ્રાઝિલને એક તરફી મુકાબલામાં ૩-૧થી પરાજય આપ્યો હતો. જ્યારે સ્પેને પ્રી-ક્વાર્ટરમાં ફ્રાન્સને ૨-૧થી, ક્વાર્ટરમાં ઇરાનને ૩-૧થી અને સેમિફાઇનલમાં માલીને ૩-૧થી પરાજય આપ્યો હતો.
ચેમ્પિયનશિપના ઇતિહાસમાં બંને ટીમો ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપના ઇતિહાસમાં ‘થ્રી લાયન્સ’ તરીકે ઓળખાતી ઇંગ્લેન્ડની ટીમે ફાઇનલમાં પ્રથમ વખત પ્રવેશ મેળવ્યો છે. આ પહેલા ટીમે ક્યારેય ફાઇનલ તો ઠીક છે પરંતુ સેમિફાઇનલમાં પણ પ્રવેશ મેળવ્યો નહોતો. જ્યારે સ્પેનની ટીમ આ પહેલા ત્રણ વખત ૧૯૯૧, ૨૦૦૩ અને ૨૦૦૭માં ઉપવિજેતા રહી ચૂકી છે. ૧૯૯૧માં ઘાનાએ, ૨૦૦૩માં બ્રાઝિલે અને ૨૦૦૭માં નાઇજીરિયાએ સ્પેનને પરાજય આપ્યો હતો. ૨૦૦૭માં દક્ષિણ કોરિયામાં યોજાયેલ ચેમ્પિનશિપમાં સ્પેનનો નાઇજીરિયા સામે પેનલ્ટીમાં પરાજય થયો હતો.
સ્ટાર ખેલાડીઓ ઇંગ્લેન્ડ અને સ્પેનના ખેલાડીઓએ આ ચેમ્પિયનશિપ દરમિયાન પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા યુરોપિયન ટીમોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે. ઇંગ્લેન્ડ અને લિવરપુલના સ્ટ્રાઇકર રિયાન બ્રેસ્ટરે ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકા સામે અને બ્રાઝિલ સામે સતત બે હેટ્રિક ફટકારી છે અને તેને સ્પેનનો સૌથી મોટો ખતરો માનવામાં આવે છે. બ્રેસ્ટરે આ વખતની ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સાત ગોલ ફટકાર્યા છે. આ ઉપરાંત માન્ચેસ્ટર યુનાઇટેડનો સ્ટારલેટ એન્જલ ગોમેઝ પણ સ્પેન માટે તકલીફ બની શકે છે. બીજી બાજુ સ્પેનના કેપ્ટન અને બાર્સેલોનાના સ્ટારલેટ એબલ રૂઇઝે પણ આ ટૂર્નામેન્ટમાં કુલ છ ગોલ ફટકારી બધાને પ્રભાવિત કર્યા છે. ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચને બાદ કરતા દરેક મેચમાં સ્પેનના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આમ, કોલકાતા ખાતે યોજાનાર આ મેચ અત્યંત રોમાંચક બની રહે તેવી સંભાવના છે.
ત્રીજા અને ચોથા સ્થાન માટે બ્રાઝિલ અને માલી વચ્ચે મુકાબલો
ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પરાજય મેળવનારી બંને ટીમો બ્રાઝિલ અને માલી વચ્ચે આજે ત્રીજા અને ચોથા સ્થાન માટે રોમાંચક મુકાબલો યોજાવવાની આશા છે. ત્રણ વખતની ચેમ્પિયન બ્રાઝિલનો આ વખતે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. જ્યારે સ્પેને માલીને પરાજય આપ્યો હતો. ૨૦૦૩ બાદ આ ચેમ્પિયનશિપમાં વિજેતા ન બનનારી બ્રાઝિલની ટીમને આ વખતે વિજેતા બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી અને ટીમ સેમિફાઇનલ સુધી અપરાજીત રહી હતી. જોકે, સેમિફાઇનલમાં એક તરફી મુકાબલામાં ઇંગ્લેન્ડે તેમને પરાજય આપ્યો હતો. બીજી બાજુ માલીની ટીમે આ ચેમ્પિયનશિપમાં પરાજયથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી અને ત્યારબાદ સેમિફાઇનલ સુધી તેમનો પ્રવાસ શાનદાર રહ્યો હતો.
આજે બન્ને ટીમોનું રંગોળી દ્વારા સ્વાગત કરાશે
કોલકાતાના સોલ્ટલેક સ્ટેડિયમ ખાતે યોજાનારી આ ફાઇનલ મેચમાં બંને ટીમોનું સ્વાગત રંગોળી દ્વારા કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના ૨૦૦ જેટલા વિદ્ધાર્થીઓ ફિફા અંડર-૧૭ વર્લ્ડ કપની થીમને ધ્યાનમાં રાખી રંગોળી બનાવવાના છે. આ પહેલા પણ આ વિદ્ધાર્થીઓએ દુર્ગા પૂજા દરમિયાન જમીન પર ૧.૫ કિલોમીટર લાંબી રંગોવી બનાવી હતી. આ રંગોળી દ્વારા આજની બે ફાઇનાલિસ્ટ ઉપરાંત ત્રીજા અને ચોથા સ્થાન માટે યોજાનાર મુકાબલાની ટીમો તથા ફિફાના પ્રસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટીનોનું સ્વાગત કરવામાં આવશે. એક વિદ્ધાર્થીએ જણાવ્યું હતું કે અમે આયોજકોને કેટલીક ડિઝાઇન બતાવી હતી અને તેમાંથી તેમણે એકની પસંદગી કરી હતી. આ ડિઝાઇન દ્વારા અમે અમારી સંસ્કૃતિનું પ્રદર્શન કરવા ઇચ્છીએ છીએ. અમને આશા છે કે અહી આવનારા ખેલાડીઓ અને મહેમાનો અમારા દેશને તથા કોલકાતાને હંમેશા યાદ રાખશે. આ ૨૦૦ વિદ્ધાર્થીઓનું ગ્રૂપ રવિન્દ્ર ભારતી યુનિવર્સિટિમાં અભ્યાસ કરે છે.
બંને ટીમો નીચે પ્રમાણે છે
ઇંગ્લેન્ડની ટીમ
કર્ટિસ એન્ડરસન, જોસેફ ર્બિસક, વિલિયમ ક્રેલિન, ટિમથી યોમા, જોએલ, માર્ક ગેહી, જોનાથન પેન્ઝો, લ્યુઇસ ગિબ્સન, સ્ટીવન સેસેગોન, માર્ગન ગિબ્સ વ્હાઇટ, તશન ઓકલે બૂથ, કોનોર ગેલાહર, એન્જેલ ગોમેઝ, કિર્બી, જ્યોર્જ મેએકરન, કેલ્લમ હડસન ઓડોઇ, ફિલિપ ફોડેન, એમિલે સ્મિથ રો, રિયાન બ્રેસ્ટર, ડેનિયલ લોડર.
સ્પેનની ટીમ
અલ્વારો ફર્નાન્ડીઝ, મેટેયુ જામે, જુઆન મિરાન્ડા, હ્યુગો ગિલામોન, વિક્ટર ચસ્ટ, એન્ટોનિયો બ્લાન્કો, ફેરન ટોરેસ, મોહંમદ મોમખલિસ, એબલ રૂઇઝ, સર્જિયો ગોમેઝ, નાચો ડાયઝ, પેડ્રો રૂઇઝ, માર્ક વિડાલ, અલ્વારો ગાર્સિયા, એરિક ગાર્સિયા, ડિયાગો પેમ્પિન, જોસે લારા, સિઝર ગેલબર્ટ, કાર્લોસ બિટિયા, વિક્ટર પરેરા અને અલ્ફોન્ઝો પેસ્ટોર.