વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં જ 15 વર્ષિય અમેરિકન ખેલાડી કોરી ગોફે પોતાની આદર્શ એવી વિનસ વિલિયમ્સને હરાવીને મોટો અપસેટ કર્યો હતો. ગોફે સોમવારે રાત્રે અહીં રમાયેલી મેચમાં જોરદાર પ્રદર્શન કરીને દિગ્ગજ ખેલાડી વિલિયમ્સને સીધા સેટમાં 6-4, 6-4થી હરાવી હતી. બંને ખેલાડીઓ વચ્ચે રમાયેલી આ મેચ 1 કલાક અને 19 મિનીટ સુધી ચાલી હતી. બીજા રાઉન્ડમાં ગોફનો સામનો માગ્દેલેના રિબારીકોવા સાથે થશે, જે પહેલા રાઉન્ડમાં વર્લ્ડ નંબર 10 આર્યના સાબાલેન્કાને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી.
વર્લ્ડ રેન્કિંગમાં 313માં ક્રમની ગોફે મેચમાં શરૂઆતથી જ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને શ્રેષ્ઠતમ ગ્રાઉન્ડ શોટ ફટકારીને પોતાનાથી 24 વર્ષ સીનિયર એવી ખેલાડીને હરાવી હતી. કોરી કોકો ગોફ ઓપન એરામાં વિમ્બલ્ડન માટે ક્વોલિફાઇ થયેલી સૌથી નાની વયની ખેલાડી બની હતી. આ વિજયની સાથે તેણે વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમમાં પોતાનાથી સીનિયર ખેલાડીને હરાવવાનો પણ રેકોર્ડ કર્યો હતો.