પેરિસ, તા. ૨૯: વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા મંગળવારે રાત્રે અહીં અપસેટનો શિકાર થતાં સ્હેજમાં બચી હતી. આ તરફ પુરૂષ સિંગલ્સમાં રાફેલ નડાલે વધુ ઍક જારદાર વિજય મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ સિવાય ગઇકાલે મોડી રાત્રે ઍલેકઝાન્ડર ઝ્વેરેવ પહેલા રાઉન્ડમાં સંઘર્ષ કરીને જીત્યો હતો , જ્યારે
વિક્ટોરિયાઅઝારેન્કા પણ જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશી હતી.
જાપાનીઝ સ્ટાર ખેલાડી ઓસાકાઍ પહેલા રાઉન્ડમાં સ્લોવાકિયાની ઍના કારોલિના શિમિડલોવા સામે 0-6, 7-6, 6-1થી વિજય મેળવ્યો હતો. યુઍસ અને ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન ઓસાકા સામે ઍક સમયે ઍન્જેલિક કર્બર પછી બીજી નંબર વન ખેલાડી તરીકે ફ્રેન્ચ ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાઇ જવાનું જાખમ ઊભુ થયું હતું, 90મી ક્રમાંકિત શિમિડલોવા બીજા સેટમાં બીજીવાર 10મી અને 12મી ગેમમાં સર્વિસ કરી રહી હતી અને તે ઍક સમયે વિજયથી માત્ર 2 પોઇન્ટ દૂર હતી, ત્યારે ઓસાકાઍ હિમંત હાર્યા વગર પોતાના અનુભવને કામે લગાડીને વાપસી કરી અને ટાઇ બ્રેકરમાં ઍ સેટ તેણે જીતી લીધો હતો. હવે તે આગામી રાઉન્ડમાં બે વારની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કા સામે રમશે. અઝારેન્કાઍ 2017ની ચેમ્પિયન યેલેના ઓસ્ટાપેન્કોને 6-4, 7-6થી હરાવીને આગેકૂચ કરી હતી.
પુરૂષ વિભાગમાં પોતાના ૧૨માં ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવાના પ્રયાસમાં રત રાફેલ નડાલે બુધવારે અહીં સરળ વિજય મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જો કે છઠ્ઠા ક્રમાંકિત સ્ટાફાનોસ સિટસિપાસે ચાર સેટ સુધી ઝઝુમવું પડ્યું હતું. નડાલે યાનિક માડેનને 6-1, 6-2, 6-4થી હરાવ્યો હતો. જ્યારે સિટસિપાસે બોલિવિયાના હ્યુગો ડેલિયનને 4-6, 6-0, 6-3, 7-5થી હરાવ્યો હતો. આ સિવાય ઍલેકઝાન્ડર ઝ્વેરેવે પોતાની પહેલા રાઉન્ડની મેચમાં ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના મિલમેન સામે 4 કલાક અને 11 મિનીટ સુધી ચાલેલી મેચમાં અંતે 7-6, 6-3, 2-6, 6-7, 6-3થી વિજય મેળવ્યો હતો.