ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયા પર ફેરબદલના સંકેત મળી રહ્યા છે. પ્રદેશ કમિટીની જાહેરાતમાં સતત થઈ રહેલા વિલંબના કારણે કોંગ્રેસમાં યાદવાસ્થળી જામી હોવાનુ મનાય છે. કોંગ્રેસના સંગઠનનું જમ્બો લિસ્ટ તૈયાર છે અને 200થી 250 હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે એમ મનાય છે. ટૂંકમાં કોંગ્રેસ સેના તૈયાર કરી રહી છે. પણ આ સેના કામની કેટલી હશે કે પછી લેટરપેટીયા કે ફેસબુકીયા હશે તે જોવાનું રહે છે.
કોંગ્રેસ વર્તુળો મુજબ એક બે દિવસમાં જ રાજ્યના પ્રભારી દિલ્હી હાઈકમાન્ડ પાસે મંજુરીની મહોરની પ્રક્રિયા કરીને જાહેરાત કરે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો દિલ્હી હાઈકમાનડ સાથે વિસ્તૃત ચર્ચા કરીને પરત આવી ગયા છે. હાલ રાજ્ય પ્રભારી રાજીવ સાતવ પાસે રહેલા લીસ્ટ પર રાષ્ટ્રીય પ્રમુખની મંજુરીની મહોર મળી જવાની શક્યતા છે.
દરમિયાન હાઈકમાન્ડે આગામી 2019ની ચૂંટણીને અનુલક્ષીને તમામ વરણીઓ છુટક છુટક નહી પરંતુ એકી સાથે જ જાહેર કરવાનો અભિગમ વ્યકત કર્યાનું અને પ્રદેશ કોંગ્રેસ માળખા સહિત વિવિધ પ્રદેશ કમિટીઓ, તમામ બેઠકના ઓબ્ઝર્વર, લોકસભા બેઠક ઈન્ચાર્જ, શહેર જિલ્લા પ્રમુખો સહિતની વરણીઓ સામુહિક રીતે જાહેર કરવામાં આવે તેમ કોંગી વર્તુળોમાં ચર્ચાય છે.
વર્તુળો મુજબ પ્રદેશ કોંગ્રેસના સંગઠન માળખામાં મહામંત્રીઓ, ઉપપ્રમુખો, સેક્રેટરીઓ ઉપરાંત જોઈન્ટ સેક્રેટરીઓને પણ ઉમેરાશે એમ મનાય છે કે પ્રદેશ કોંગ્રેસનું ‘જમ્બો’ માળખુ રચાશે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી ત્યારે તેમના જુથના કોંગેસી આગેવાનોને કોંગ્રેસ ન છોડવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન મધુસુદન મિસ્ત્રીએ 15 જેટલા આગેવાનોએ સંગઠન ઉપરાંત કમીટીઓમાં સમાવવા માટે આગ્રહ રાખ્યાનું અને તેમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યાનું પણ મનાય છે.
માહિતી પ્રમાણે દિલ્હીમાં ટોચના કોંગી અગ્રણીઓ વચ્ચેની બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ એવી સુચના આપ્યાનું મનાય છે કે ગુજરાતની તમામ વરણીઓ એકીસાથે જ નક્કી કરીને ત્વરીત ગતિએ ગુજરાત કોંગ્રેસને વધુ મજબુતાઇને કામે લગાડીને ધાર્યા પરિણામ મેળવવા તથા લોકસભા ચૂંટણીમાં કોઇ કચાશ ન રહે તેના ઉપર ભાર મૂકયો હતો.
વર્તુળો મુજબ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા તમામ પ્રદેશ આગેવાનોએ સાથે મળીને વ્યવસ્થિત લિસ્ટ તૈયાર કરીને રાજય પ્રભારી સાથે વિચાર-વિમર્શ કર્યો છે. એમ મનાય છે કે હાલ નિમણૂંકો અંગેની તમામ મડાગાંઠો પ્રદેશ કક્ષાએથી ઉકેલાઇ ગઇ છે અને લિસ્ટ રાજય પ્રભારીને સુપ્રત કરી દેવાયું છે. રાજય પ્રભારી રાજીવ સાતવ એક કે બે દિવસમાં રાષ્ટ્રીય પ્રમુખ સાથે અંતિમ ચર્ચા કરીને 200 થી 250 આગેવાનોની વરણી અંગેનું લિસ્ટ મંજુર કરાવીને ટૂંક સમયમાં જાહેરાત કરશે એવી માહિતી મળી રહી છે.