નવી દિલ્હી : હોકી ઇન્ડિયાઍ ભારતીય હોકી ટીમના ટોચના ગોલકીપર પીઆર શ્રીજેશનું નામ પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવોર્ડ માટે સુચવ્યું છે. સાથે જ મિડફિલ્ડર ચિંગ્લેનસાના સિંહ કાંગુજામ, ફોરવર્ડ આકાશદીપ સિંહ અને મહિલા ટીમની ડિફેન્ડર દીપિકાના નામની અર્જુન ઍવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત લાઇફ ટાઇમ ઍચીવમેન્ટના ધ્યાનચંદ ઍવોર્ડ માટે આરપી સિંહ અને સંદીપ કૌરના નામને આગળ કરાયા છે. જ્યારે કોચ બલજીત સિહ, બીઍસ ચૌહાણ અને રોમેશ પઠાનીયાના નામની ભલામણ દ્રોણાચાર્ય ઍવોર્ડ માટે કરવામાં આવી છે.
શ્રીજેશની ગણતરી વિશ્વ હોકીના સર્વશ્રેષ્ઠ ગોલકીપરોમાં થાય છે. 2006માં શ્રીલંકામાં રમાયેલી સાઉથ ઍશિયન ગેમ્સથી પદાર્પણ કર્યા પછી ભારતીય ટીમનો તે મહત્વનો હિસ્સો રહ્યો હતો. કેરળનો 30 વર્ષનો આ ખેલાડી દેશ માટે 200થી વધુ મેચ રમી ચુક્યો છે. તે 2014 અને 2018ના વર્લ્ડકપ તેમજ 2012 અને 2016માં ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમમાં સામેલ હતો.