મેલબોર્ન, : ભારતીય મેન્સ હોકી ટીમે બુધવારે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા થંડરસ્ટિક્સ ટીમને 2-0થી હરાવીને પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની હકારાત્મક શરૂઆત કરી હતી. ભારતીય ટીમ વતી વિરેન્દ્ર લાકડાઍ 23મી મિનીટમાં જ્યારે હરમનપ્રીતે 50મી મિનીટમાં ગોલ કર્યા હતા. હરમનરપ્રીત સિંહ અને રુપિન્દર પાલ સિંહે ડિફેન્ડર તરીકે સારી રમતનું પ્રદર્શન કરીને થંડરસ્ટિક્સના ગોલ કરવાના પ્રયાસોને મારી હઠાવ્યા હતા.
ભારતીય ટીમ આ પ્રવાસમાં 15થી 17 મે દરમિયાન અોસ્ટ્રેલિયાની નેશનલ ટીમ સામે મેચ રમશે. આજની મેચમાં બંને ટીમોઍ પહેલા ક્વાર્ટરમાં પ્રવાહી રમત બતાવી હતી અને ગોલ કરવાની કેટલીક તકો ઊભી કરી હતી. જસકરણ સિંહને પાંચમી મિનીટે તક મળી પણ તે ગોલ કરી શક્યો નહોતો. તે પછી બીજા ક્વાર્ટરમાં 23મી મિનીટે બિરેન્દ્ર લાકડાઍ ગોલ કરીને ભારતીય ટીમને સરસાઇ અપાવી હતી. તે પછી અંંતિમ ક્વાર્ટરમાં હરમનપ્રીતે 50મી મિનીટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતીય ટીમને 2-0થી જીતાડી હતી. ભારતીય ટીમ હવે 10મી મેના રોજ ઓસ્ટ્રેલિયા-ઍ સામે મેચ રમશે.