ભારતીય હોકી ટીમ પોતાના નવા કોચ ગ્રેહામ રિડના માર્ગદર્શનમાં ટોકિયો ઓલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઇ થવાના પોતાના અભિયાનની શરૂઆત ગુરૂવારથી ઍફઆઇઍચ સીરિઝ હોકી ફાઇનલ્સથી કરશે. ઍશિયા, યુરોપ, આફ્રિકા અને ઉત્તર અમેરિકાની 8 ટીમો ઓક્ટોબર-નવેમ્બરમા થનારા ઍફઆઇઍચ ઓલિમ્પિક્સ ક્વોલિફાયરના બે સ્થાન માટે સ્પર્ધા કરશે. ભારતીય ટીમ ઉપરાંત પુલ ઍમાં પોલેન્ડ, રશિયા અને ઉઝબેકિસ્તાન પણ છે. જ્યારે પુલ બીમાં દક્ષિણ આફ્રિકા, ઍશિયન ગેમ્સ ચેમ્પિયન જાપાન, અમેરિકા અને મેક્સિકોનો સમાવેશ થાય છે.
વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા સ્થાને બેઠેલી ભારતીય ટીમ પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે, કારણકે બાકીની ટીમોની સરખામણીઍ તેના પ્રદર્શનનો ગ્રાફ બહેતર છે. દક્ષિણ આફ્રિકા અને જાપાન ક્રમશઃ 16માં અને 18માં ક્રમે છે. ભારતીય ટીમની પહેલી મેચ રશિયા સામે છે. જે સરળ રહેવાની આશા છે. ભારતીય ટીમે ટોચના સ્થાને રહેવા માટે નોકઆઉટ સ્ટેજમાં કોઇ ભુલ કરવાથી દૂર રહેવું પડશે. ભારતીય ટીમ પાસે જાકાર્તામાં રમાયેલી ઍશિયન ગેમ્સ દ્વારા ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થવાની તક હતી પણ તેઓ સેમી ફાઇનલમાં મલેશિયા સામે હારી ગયા હતા.
ઍફઆઇઍચ ફાઇનલ્સ ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થવા માટે ભારતીય ટીમ દ્વારા પહેલો પ્રયાસ હશે. નવા કોચ રીડ માટે પણ આ ઍક પડકાર હશે. ભારતીય ટીમે રશિયા પછી પોલેન્ડ સામે અને તે પછી ઉઝબેકિસ્તાન સામે રમવાનું છે. ભારતીય હોકી ફેડરેશને આ ટુર્નામેન્ટમાં સૌથી મજબૂત ટીમ ઉતારી છે અને તેમાં રમનદીપ સિંહની વાપસી થઇ છે. રુપિન્દર પાલ સિંહને બહાર મુકી રિડે ઍવું દર્શાવી દીધું છે કે તેની ટીમ ફોર્મના આધારે જ પસંદ થશે.