દિલ્લી : બાર્સેલોનાના સુપર સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસ્સીનું કહેવું છે કે આગામી વર્ષે રમાનારા ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડમાં તેની આર્જેન્ટિના ટીમને સ્પેનનો સામનો કરવાનો આવે તો તે ખરાબ ડ્રો રહેશે. મેસ્સીએ કહ્યું હતું કે ગ્રૂપ સ્ટેજમાં આર્જેન્ટિનાને સ્પેનનો સામનો કરવાનો આવે તો તે ખરાબ ડ્રો રહેશે.
હાલમાં મેસ્સી પોતાની આર્જેન્ટિના ટીમ સાથે મોસ્કોમાં છે. જ્યાં રશિયા અને આર્જેન્ટિના વચ્ચે રવિવારે એક ફ્રેન્ડલી મેચ રમાવાની છે. મેસ્સીએ કહ્યું હતું કે હું સ્પેન સામે રમવાનું ન આવે તેવું ઈચ્છું છું કેમ કે તે એક મજબૂત ટીમ છે.
આર્જેન્ટિનાની એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં મેસ્સીએ સ્પેન ઉપરાંત બ્રાઝિલ, જર્મની અને ફ્રાન્સને પણ વર્લ્ડ કપના પ્રબળ દાવેદાર ગણાવ્યા હતા. 2018નો ફિફા વર્લ્ડ કપ રશિયામાં રમાવાનો છે. મેસ્સીએ કહ્યું હતું કે મારા મતે હાલમાં આ તમામ ટીમો સૌથી મજબૂત છે અને તેમનું પ્રદર્શન જોતા તેઓ દાવેદાર છે.
ક્વોલિફિકેશન દરમિયાન આર્જેન્ટિના સામે વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાનું જોખમ ઊભું થયું હતું. જોકે, મેસ્સીએ આર્જેન્ટિનાની લાજ રાખી હતી અને ઈક્વાડોર સામે રમાયેલા કરો યા મરોના મુકાબલામાં તેણે હેટ્રિક નોંધાવીને પોતાની ટીમને 3-1થી વિજય અપાવ્યો હતો. આ વિજય સાથે જ આર્જેન્ટિના વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થઈ ગયું હતું.
મેસ્સી માટે આ વર્લ્ડ કપ તેની કારકિર્દીનો અંતિમ વર્લ્ડ કપ છે. તેણે કહ્યું હતું કે “તે પોતાના જન્મ સ્થળ રોસારિયોમાં કારકિર્દીનો અંત લાવવા ઈચ્છે છે. હું ન્યૂવેલ્સ ઓલ્ડ બોયસ માટે રમવા ઈચ્છીશ કેમ કે તે સ્ટેડિયમમાં મેં ઘણી બધી મેચ જોઈ છે. આગામી વર્ષોમાં શું થવાનું છે તે વિશે હું નથી જાણતો. હું વર્તમાનમાં જીવવામાં માનું છું અને ભવિષ્ય અંગે વધારે વિચારતો નથી.”