નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાની એથ્લેટ કેસ્ટર સેમેન્યા ટેસ્ટોસ્ટેરોન મામલે ઇન્ટરનેશનલ એથલેટિક્સ ફેડરેશન સામે ચાલી રહેલી કાયદાકીય લડાઇ હારી ગઇ છે. કોર્ટ ઓફ ઓર્બિટેશન ઓફ સ્પોર્ટસ દ્વારા અપાયેલા ચુકાદાનો મતલબ એ છે કે હવે જો કેસ્ટરે ઇન્ટરનેશનલ આયોજનોમાં ભાગ લેવો હોય તો તેણે પોતાના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછુ કરવાની દવા લેવી પડશે.
સેમેન્યા હાલમાં 800 મીટરમાં ઓલિમ્પિક્સ, વર્લ્ડ અને કોમનવેલ્થ ચેમ્પિયન છે. કોર્ટ ઓફ ઓર્બિટેશન ઓફ સ્પોર્ટસ (સીએએસ)એ આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદા અંગે ઓલિમ્પિક ગેમ્સમાં બે વાર ગોલ્ડ મેડલ જીતી ચુકેલી કેસ્ટરે કહ્યું હતું કે ક્યારેક ક્યારેક આવી બાબતોએ ચૂપ રહેવું વધુ સારું હોય છે. કેસ્ટરની ટીમમાં સામેલ સીએએસના વૈજ્ઞાનિક રોસ ટકર માને છે કે જો સેમેન્યાએ હવે 800 મીટરની રેસમાં ભાગ લેવો હોય તો તેણે પોતાની સ્પિડ 7 સેક્ન્ડ ઓછી કરવી પડશે. આ કેસની સુનાવણી કરતાં સીએએસના 3 જજોએ આ મામલે 2-1થી ચુકાદો આપ્યો હતો.
પોતાના આ ઐતિહાસિક ચુકાદામાં સીએએસે કહ્યું છે કે જે મહિલા ખેલાડીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધુ છે અથવા તો સેક્સ ડેવલપમેન્ટમાં બદલાવ જોવા મળે છે તો તેમણે પુરતી સારવાર લઇને આ સ્થિતિને સામાન્ય કરવી પડશે. તે પછી જ તે મહિલાઓની 400 મીટર અને 800 મીટરની રેસમાં ભાગ લઇ શકશે. જો કે અન્ય રમતોમાં ટેસ્ટોસ્ટેરોનનો એટલો પ્રભાવ નથી દેખાતો તેથી તેમાં એ મામલે છૂટછાટ આપવામાં આવી છે.