ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુ અહીં ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ હતી. તેની સાથે જ છઠ્ઠો ક્રમાંકિત સમીર વર્મા અને બી સાઇ પ્રણીત ઉપરાંત પુરૂષ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જાડી પણ હારીને બહાર થયાં હતા અને તે પછી પારુપલ્લી કશ્યપ પણ ચીનના લિન ડેન સામે પડાકરજનક રમત રમ્યા પછી હારી જતાં ભારતીય બેડમિન્ટન માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો અને ટુર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.
સિંધુને 29મી ક્રમાંકિત નિચાઓન જિંદાપોલે 21-19, 21-18થી હરાવી હતી. તેમની વચ્ચે રમાયેલી 7 મેચમાં સિંધુનો આ બીજો પરાજય રહ્યો હતો. તેના પહેલા સમીર વર્માને ચાઇનીઝ તાઇપેઇના વાંગ ઝુ વેઇઍ 21-16, 7-21, 21-13થી હરાવ્યો હતો. જ્યારે પ્રણીતને બીજા ક્રમાંકિત ઍન્થની સિનિસુકાઍ 25-23, 21-9થી હરાવ્યો હતો. સાત્વિક અને ચિરાગની જાડીને બીજી ક્રમાંકિત જાડી લી જુન્હુઇ અને લિયૂ યુચેનની જાડીઍ 21-19, 21-18થી હરાવી હતી. કશ્યપને લિન ડેને 17-21, 22-20, 14-21થી હરાવ્યો હતો.