ટેનીસ વિશ્વમાં સ્ટાર ખેલાડી સ્પેનના રફેલ નડાલે શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ઉરૂગ્વેના પાબ્લો ક્યુવાસને બે કલાક અને ૨૩ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૬-૩, ૬-૭, ૬-૩થી પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ક્વાટર ફાઇનલમાં રફેલ નડાલનો સામનો સર્બિયાના ફિલિપ ક્રાજિનોવિક સામે થશે.
ક્રાજિનોવિકની વાત કરીએ તો ક્રાજિનોવિકે ફ્રાન્સના નિકોલસ મહુતને ૬-૩, ૩-૬, ૬-૧થી પરાજય આપ્યો હતો. ૧૬ વખતનો ગ્રાન્ડ સ્લેમ વિજેતા નડાલ આ પહેલા જ નંબર વનનો ક્રમાંક મેળવી ચૂક્યો છે. આ ચેમ્પિયન્સશિપમાં જો નડાલ વિજેતા બનશે તો તે સર્બિયાના નોવાક જોકોવિચના રેકોર્ડ ૩૧ માસ્ટર્સ ટાઇટલ જીતવાની બરાબરી કરી લેશે. આ મેચની સમાપ્તિ બાદ નડાલે કહ્યું હતું કે “દર વખતે મોટી ટૂર્નામેન્ટમાં સરળતાથી જીત મેળવવાની આશા રાખી શકાય નહીં. આ વર્ષ મારા માટે સફળ રહ્યું છે અને હું મારી સફળતાથી અત્યંત ખુશ છું.” આ વર્ષે રફેલ નડાલ ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં ચેમ્પિયન બન્યો હતો.
પાબ્લો ક્યુવાસ સામેની મેચના પ્રથમ સેટમાં નડાલને વધુ સંઘર્ષ કરવાની જરૂર પડી નહોતી. આ દરમિયાન નડાલે ૪-૧ની લીડ મેળવી લીધી હતી. અહીંથી ક્યુવાસે એક ગેમ જીતી લઇ મેચમાં પરત ફરવાની કોશિશ કરી હતી પરંતુ નડાલે પોતાની સવર્સિ વખતે ગેમમાં જીત મેળવી સેટ ૬-૩થી પોતાના નામે કર્યો હતો. બીજા રાઉન્ડમાં બંને ખેલાડીઓ વચ્ચે શાનદાર રમત જોવા મળી હતી. ક્યુવાસે આ સેટમાં નડાલને મજબૂત ટક્કર આપી હતી. બંને ખેલાડીઓએ એક પછી એક ગેમમાં જીત મેળવતા સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યો હતો. જ્યા ક્યુવાસે ૭-૫થી જીત મેળવી હતી. ત્રીજા અને અંતિમ નિર્ણાયક સેટમાં નડાલે ૩-૦ની લીડ મેળવી લીધી હતી. જોકે, ક્યુવાસે ત્યારબાદ સતત બે ગેમ જીતી લઇ સ્કોર ૩-૨થી કરી દીધો હતો. નડાલે પણ ત્યારબાદ સતત બે ગેમ જીતી ક્યુવાસના જીત મેળવવાના સ્વપ્નને રોળી નાંખ્યુ હતું. અંતે નડાલે સેટ ૬-૩થી પોતાના નામે કર્યો હતો.