સ્પેનના રાફેલ નડાલે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિઍમને હરાવીને 12મી વાર ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બનીને તેને ક્લે કોર્ટનો કિંગ કેમ કહેવાય છે તે સાબિત કર્યુ હતું. વિશ્વના બીજા ક્રમાંકિત નડાલે થિઍમને ચાર સેટમાં 6-3, 5-7, 6-1, 6-1થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
નડાલે સેમી ફાઇનલમાં સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરને સરળતાથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે બીજી તરફ થિઍમે વિશ્વના નંબર વન નોવાક જાકોવિચને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નડાલે આ સાથે કુલ 18 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. તેણે બે વાર ઓસ્ટ્રેલિયન ઓપન અને ત્રણવાર યુઍસ ઓપન ટાઇટલ જીત્યા છે અને ફ્રેન્ચ ઓપનના 12 ટાઇટલ મળીને તેના નામે હવે 18 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ થઇ ગયા છે. સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ સ્વિટઝરલેન્ડના રોજર ફેડરરે જીત્યા છે, તેના નામે 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ બોલે છે.
23 વર્ષિય સ્પેનિશ ખેલાડી ફ્રેન્ચ ઓપનમાં માત્ર બે મેચ હાર્યો છે અને 93 મેચ જીત્યો છે. તેણે સેમી ફાઇનલ અને ફાઇનલ મળીને કુલ 24 મેચ રમી છે અને તેમાં એકપણ વાર તે હાર્યો નથી. મતલબ કે તે 12 વાર અહીં ફાઇનલમાં પહોંચ્યો છે અને દરેકવાર તે ચેમ્પિયન બન્યો છે. તે પહેલીવાર 2005માં ફાઇનલમાં પહોંચીને પોતાનું પહેલું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યો હતો.