સુરત શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતાંની સાથે જ નવી નિમણૂંકો સામે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને સુરત કોંગ્રેસના વરિષ્ઠ નેતા જવાહર ઉપાધ્યાય સહિત 15થી વધુ હોદ્દેદારોએ સામગમટે રાજીનામા ધરી દેતા સુરત કોંગ્રેસની આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હોવાનું જણાઈ આવી રહ્યું છે. નવા માળખાની જાહેરાત સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ 175 જેટલા હોદ્દેદારોની યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસનાં જવાહર જૂથના મનાતા અને નવા માળખામાં જેમના હોદ્દા મળ્યા છે તેમણે પોતાના રાજીનામા ધરી દીધા છે. જવાહર ઉપાધ્યાયે સુરત કોંગ્રેસ પ્રમુખને લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે સુરત શહેર કોંગ્રેસ સમિતિના માળખા બાબતે ચર્ચા કરવા માટે ત્રણથી ચાર વખત વિનંતી કરી પરંતુ સુરત કોંગ્રસના પ્રમુખ તરફથી આ બાબતમાં કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે પણ ચર્ચા કરી હતી અને તેમણે બાબુભાઈને ચર્ચા કરવા માટે સૂચના આપવાનું કહ્યું હતું. જે માળખું જાહેર કરવામાં આવ્યું છે તે ખૂબ નિરાશા થાય તેવું માળખું છે. સુરત કોંગ્રેસના પ્રમુખની કાર્ય પદ્વતિ સાથે હું અનુકુળ થઈ શકું તેમ નથી. આ કારણોસર મારું નામ કોર કમિટીના સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેને રદ્દ બાતલ કરવામાં આવે.
જવાહર ઉપાધ્યાય ઉપરાંત સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને હાલના કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીએ પણ રાજીનામું આપી દીધું છે. ભૂપેન્દ્ર સોલંકીએ તગતગતો પત્ર લખ્યો છે અને ગદ્દારોને હોદ્દા આપી દેવામા આવ્યા હોવાના મેસેજ પણ તેમને સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા. નિષ્ઠાવાન કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને જૂથબંધીનું માળખું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.
ભૂપેન્દ્ર સોલંકીએ લખ્યું છે કે આપણા વોર્ડમાં કોંગ્રેસના વફાદારો કાર્યકરોને અન્યાય કરી અમને હરાવવા ભાજપ સાથે સેટિંગ કરનાર અમને હરાવવાની નીચ પ્રવુતિ કરનારા કેટલાક કોંગ્રેસના ગદ્દારોને શહેર સમિતિમાં લેવામાં આવતા અને કોંગ્રેસના વફાદાર કાર્યકરોને અન્યાયના વિરોધમાં શહેર સમિતિના કારોબારી અને કોર કમિટીના સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હોવાનું તેમણે જણાવ્યું છે.
સંજય પટવાએ પોતાના રાજીનામ પત્રમાં જણાવ્યું છે કેછેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી પાર્ટીમાં કાર્યરત રહ્યો છું. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી જવાબદારી પ્રમાણિકપણે નિભાવી છે. સુરતમાં જૂથબંધી એટલી હદે ચલાવવામાં આવી રહી છે કે જેમાં કામ કરવું અશકય બની ગયું છે. જેથી કરીને દક્ષિણ ગુજરાતના પ્રવકતા પદેથી રાજીનામું આપું છું. સંજય પટવા પૂર્વ કોર્પોરેટર છે.
રાજીનામા આપનારા અન્ય નામોમાં મકસુદ મીર્ઝા, ગોપાલ પાટીલ, અવઘેશસિંહ રાજપુત, અભિમન્યુ શાહુ, જાવેદ મિર્ઝા,રત્ના પરમાર, કેશવ માહ્યાવંશી, કાંતિ વસાવા સહિત 15થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત કામરાન ઉસ્માની પણ આવનાર દિવસોમાં ધડાકા કરે એવી શક્યતા છે. હાલ તેઓ તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે. બીજી તારીખ પછી પોતાના ટેકેદારોની મીટીંગ કરી નિર્ણય કરે એવી જાણકારી મળી રહી છે. કામરાન ઉસ્માનીના કાર્યકરોમાં પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને સુરત કોંગ્રેસમાં વધુ કડાકા-ભડાકા થવાના ભણકારા વાગી રહ્યા છે. આજ દિન સુધી કોંગ્રેસમાં આટલા મોટા પ્રમાણમાં વિરોધ ફાટી નીકળ્યો નથી, આવું પહેલી વાર બન્યું હોવાનું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે. હવે ફિક્સમાં મૂક્યેલા બાબુ રાયકા શું કરે છે એ જોવાનું રહે છે.