વુહાન : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ ઉપરાંત સમીર વર્માએ ગુરૂવારે અહીં એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પોતપોતાની બીજા રાઉન્ડની મેચ સીધી ગેમમાં જીતી લઇને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જો કે મિક્ષ્ડ ડબલ્સમાં ભારતની બંને જોડી હારીને સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ હતી.
રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ મહિલા સિંગલ્સની બીજા રાઉન્ડની મેચમાં ઇન્ડોનેશિયાની ચોઇરુનનિસિયાને 21-15, 21-19થી હરાવી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો ચીનની કાઇ યાનયાન સાથે થશે, જે હોંગકોંગની યિપ પુઇ યિનને 21-9, 21-15થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં આવી છે. સાઇનાએ દક્ષિણ કોરિયાની કિમ ગા ઇનને 21-13, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે. પુરૂષ સિંગલ્સમાં સમીર વર્માએ હોંગકોંગના એનજી કા લોંગ અંગુસને 21-12, 21-19થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કર્યું છે.
મિક્ષ્ડ ડબલ્સમાં ભારતના ઉત્કર્ષ અરોરા અને કરિશ્મા વાડકરની જોડીને ઇન્ડોનેશિયાના હાફિઝ ફૈઝલ અને ગ્લોરિયા ઇમાનુએલ વિડઝાજાની જોડીએ 21-10, 21-15થી હરાવી હતી, આ ઉપરાંત વેંક્ટ ગૌરવ પ્રસાદ અને જુહી દિવાંગનની જોડીને ચીનની વાંગ યિલયુ તેમજ યાંગ ચિંગ ટુનની જોડીએ 21-10, 21-19થી હરાવી હતી.