વુહાન : ટોચની ભારતીય શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારે અહીં પોતાની પ્રથમ રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી, જો કે કિદામ્બી શ્રીકાંત પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થયો હતો. આ ઉપરાંત પુરૂષ વિભાગમાં સમીર વર્માઍ જારદાર વળતી લડત આપીને મેચ જીતી બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે પુરૂષ ડબલ્સમાં ઍમઆર અર્જુન અને રામચંદ્ર શ્લોકની જોડી તેમજ મબિલા ડબલ્સમાં મેઘના જાકામપુડી અને પૂર્વિશા ઍસ રામની જોડી હારીને સ્પર્ધા બહાર થઇ છે.
પીવી સિંધુઍ જાપાનની તાકાહાશી સયાકાને સીધી ગેમમાં 21-14, 21-7થી હરાવી હતી. 28 મિનીટમાં જ જીત મેળવનારી સિંધુઍ પહેલેથી જ રમત પર પોતાનો કાબુ જમાવી દીધો હતો. હવે આગામી રાઉન્ડમાં તે ઇન્ડોનેશિયાની ચોઇરુનિસા સામે રમશે. સાઇના નેહવાલે ચીનની હાન યુઍને હરાવવામાં થોડી મહેનત કરવી પડી હતી. સાઇનાઍ પહેલી ગેમ ગુમાવીને પછી મેચમાં મજબૂત વાપસી કરીને 12-21, 21-11, 21-17થી વિજય મેળવ્યો હતો. હવે તે દક્ષિણ કોરિયાની કિમ ગા યૂન સામે રમશે.
પુરૂષ સિંગલ્સમાં સમીર વર્માઍ જાપાનના સકાઇ કાજુમાસાને 21-13, 17-21, 21018થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તે હવે હોંગકોંગના નિગ કા લોંગ ઍન્ગુસ સામે રમશે. શ્રીકાંતને ઇન્ડોનેશિયાના શેસર હિરેન રુસ્તાવિતોઍ સાવ સરળતાથી માત્ર 44 મિનીટમાં 21-16, 22-20થી હરાવી દીધો હતો.