Stock Market Today: સેન્સેક્સ-નિફ્ટી નીચે બંધ થયા, પરંતુ નિફ્ટી મિડ-કેપ ઇન્ડેક્સ 60000 ની સર્વકાલીન ટોચ પર બંધ થયો.
Stock Market Closing On 13 September 2024: સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું છે. સેન્સેક્સ-નિફ્ટીમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ આજના સેશનમાં બજારમાં બે નવા રેકોર્ડ બન્યા હતા. મિડ-કેપ શેરોમાં ખરીદીને કારણે, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 60,000ના આંકને વટાવી ગયો છે અને 60189.35ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સ્મોલ-કેપ શેરોમાં પણ અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદીને કારણે BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 469 લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 72 પોઈન્ટના ઘટાડા સાથે 82,890 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 32 પોઈન્ટના ઘટાડા સાથે 25,356 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, મીડિયા, રિયલ એસ્ટેટ, મેટલ્સ અને ફાર્મા સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, એનર્જી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ હતું. આજના સેશનમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેર્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઓલ ટાઈમ હાઈ પર પહોંચી 60034 પર બંધ થયો. નિફ્ટીનો સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ 151 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ ઓલ ટાઈમ હાઈ પર
મિડ-કેપ, સ્મોલ-કેપ સહિતના બેન્કિંગ આઈટી શેરોમાં ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 468.80 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જ્યારે છેલ્લા સત્રમાં તે રૂ. 467.36 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.44 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.
વધતા અને ઘટતા શેર
આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 19 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 20 શેરો વધ્યા અને 30 નુકસાન સાથે બંધ થયા. બજાજ ફાઇનાન્સ 2.31 ટકા, બજાજ ફિનસર્વ 2.17 ટકા, એક્સિસ બેન્ક 1.19 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.18 ટકા, ટાટા સ્ટીલ 1.09 ટકા, ટેક મહિન્દ્રા 0.80 ટકા, ટાટા મોટર્સ 0.61 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં અદાણી પોર્ટ્સ 1.37 ટકા, ITC 1.01 ટકા, ભારતી એરટેલ 0.88 ટકા અને NTPC 0.78 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.