દોહા : એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અને હાલની હેપ્ટાથ્લોન ચેમ્પિયન સ્વપ્ના બર્મન તેમજ 4 બાય 400 મીટરની મિક્ષ્ડ રિલે ટીમે મંગળવારે અહીં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યા હતા. 22 વર્ષિય સ્વપ્ના બર્મને સાત સ્પર્ધાઓમાં કુલ મળીને 5993 પોઇન્ટ મેળવ્યા હતા અને તે 6198 પોઇન્ટ મેળવનારી ઉઝબેકિસ્તાનની એક્ટેરિના વોર્નિના પછી બીજા સ્થાને રહી હતી. અન્ય એક ભારતીય પૂર્ણિમા હેમ્બરામ આ સ્પર્ધામાં 5528 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને રહી હતી.
સ્વપ્નાએ ગત વેળા 5942 પોઇન્ટ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેની સરખામણીએ આ વર્ષે તેનું પ્રદર્શન સારું રહ્યું હતું પણ ગત વર્ષે જાકાર્તામાં એશિયન ગેમ્સના તેના સ્કોર 6026 કરતાં આ સ્કોર ઓછો રહ્યો હતો. આ ચેમ્પિયનશિપમાં પહેલીવાર સમાવાયેલી 4 બાય 400 મીટર મિક્ષ્ડ રીલે ટીમ ઇવેન્ટમાં મહંમદ અનસ, એમઆર પુવમ્મા, વીકે વિસ્મયા અને આરોકિયા રાજીવની ટીમે 3 મીનિટ 16.47 સેકન્ડના સમય સાથે બહેરીનની ટીમ પછી બીજા સ્થાને રહી હતી. આ બે સિલ્વર મેડલની સાથે ભારતના મેડલનો આંકડો બે ગોલ્ડ અને 5 સિલ્વર તેમજ 5 બ્રોન્ઝ સાથે 12 પર પહોંચી ગયો છે.