ફીફા મહિલા વર્લ્ડકપની અહીં રમાયેલી મેચમાં ઍક ગોલથી પાછળ પડ્યા પછી સ્વીડને જોરદાર વાપસી કરીને 2-1થી મેચ જીતી બે વારની ફીફા મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન જર્મનીની ટીમને વર્લ્ડ કપમાંથી બહાર મુકી દીધી હતી. પીટર ગેરહાર્ડસનની ટીમે 24 વર્ષોમાં જર્મની સામે આ પહેલો વિજય મેળવ્યો હતો. અંતિમ વાર સ્વીડનની ટીમ જર્મની સામે 1995ના વર્લ્ડ કપમાં જીતી હતી.
પહેલા હાફમાં ઇજાગ્રસ્ત જેનિફર મારોસાન બહાર બેન્ચ પર બેઠી હતી તે છતાં જર્મનીઍ જોરદાર શરૂઆત કરી અને લીના મગુલે ટીમ માટે ઓપનીંગ ગોલ કરીને 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. મેચની 16મી મિનીટે લીનાઍ સારા ડાબરિટ્ઝના પાસ પર આ ગોલ કર્યો હતો. તે પછી સ્વીડન વતી સોફિયા જાકોબસને બોલ પોતાના કબજામાં લઇને જર્મન ગોલકીપર અલ્મૂથ શલ્ટને છક્કડ ખવડાવીને ૨૨મી મિનીટમાં સ્વીડન માટે બરોબરીનો ગોલ કરી દીધો હતો.
ચીન સામે અંગુઠામાં ઇજા પામેલી મારોસાનને બીજા હાફમાં રમતમાં મોકલાઇ હતી પણ બીજા હાફ શરૂ થયાની 3 મિનીટ પછી સ્વીડને સરસાઇનો ગોલ કરી દીધો હતો. ફ્રીડોલિના રોલ્ફોના જોરદાર હેડરની મદદથી સ્ટીના બ્લેકસ્ટેનિયસે બોલને ગોલ પોસ્ટમાં મોકલાવી દીધો હતો. વધારાના સમયમાં મારોસાન ગોલ કરવાની તક ગુમાવી બેઠી હતી અને તેનો શોટ વાઇડ ચાલ્યો ગયો હતો.