રક્ષાબંધન પર કેન્દ્રીય મંત્રીમંડળનો મોટો નિર્ણય, પીએમ ઉજ્જવલા યોજના હેઠળ 12000 કરોડ રૂપિયાની મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ 2025-26 માટે 12,000 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી. રક્ષાબંધન પહેલા લેવામાં આવેલા આ નિર્ણયથી 10.33 કરોડ પરિવારોને ફાયદો થશે. આ સાથે, કેન્દ્રીય મંત્રીમંડળે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને 30,000 કરોડ રૂપિયાની LPG સબસિડીને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે કેબિનેટમાં લેવામાં આવેલા આ નિર્ણયોની માહિતી આપી.
દેશમાં લગભગ 10.33 કરોડ PMUY કનેક્શન
PMUY યોજના મે 2016 માં દેશભરના ગરીબ પરિવારોની પુખ્ત મહિલાઓને મફત LPG કનેક્શન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. 1 જુલાઈ સુધીમાં, ભારતમાં લગભગ 10.33 કરોડ PMUY કનેક્શન છે.
14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મંજૂર
સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓને દર વર્ષે 9 રિફિલ (અને પ્રમાણસર 5 કિલોગ્રામના સિલિન્ડર માટે) માટે 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મંજૂર કરી છે. આનાથી 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.” ભારત તેની LPG જરૂરિયાતના લગભગ 60 ટકા આયાત કરે છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને વૈશ્વિક સ્તરે સમાવેશી વિકાસ માટે માન્યતા આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. અત્યાર સુધીમાં 10.૩૩ કરોડ ઉજ્જવલા જોડાણો આપવામાં આવ્યા છે. મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2025-26 માટે પીએમ ઉજ્જવલા લાભાર્થીઓ માટે 12,060 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી છે.